ભુજ, તા. 16 : ઓનલાઇન છેતરપિંડીના નાણાં કચ્છની
બેન્કોના વિવિધ ખાતામાં આવ્યાના ઘટસ્ફોટ બાદ આ અંગેની વિશ્વાસઘાતની થતી ફરિયાદોનો સિલસિલો
બરકરાર રહ્યો છે. આવી વધુ ચાર ફરિયાદ નોંધાઇ છે. મિત્ર ભાવે માતાનું ખાતું ઉપયોગ
માટે દીધું ને થયો વિશ્વાસઘાત : આજે ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે રઘુવંશી ચોકડી, હાઉસિંગ બોર્ડ ભુજમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધા દીપ્તિબેન સુરેશભાઇ
ઠક્કરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેના પુત્ર હર્ષિલના મિત્ર ઓમ મનીષભાઇ પટેલ (રહે. કૈલાસનગર
ભુજ)એ હર્ષિલને જણાવ્યું કે, મારા
જમીનના વેચાણના રૂપિયા આવવાના છે. મારા એકાઉન્ટમાં ઘણી બધી એન્ટ્રી થઇ ગઇ હોવાથી તારું
અથવા તારા મમ્મીનું એકાઉન્ટ મને વાપરવા આપ. આથી વિશ્વાસમાં આવી બેન્ક ખાતું ઉપયોગ માટે
દેતાં તેમાં ઓનલાઇન છેતરપિંડીના તા. 3/4ના 4.48 લાખ અને તા.
4/4ના 4.98 લાખ મેળવી ઉપાડીને ખાતાનો ગેરઉપયોગ
કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે, જ્યારે અન્ય ફરિયાદી મચ્છિયારા ફળિયામાં રહેતા અલીરમજાન ઇસ્માઇલ સંગારે આરોપી
ઇરફાન અજડિયા (ભુજ) વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ
પ્રમાણે તેના મિત્રને આરોપીએ જણાવ્યું કે, તેનો એકાઉન્ટ
બંધ થઇ ગયો છે અને મુંબઇથી રૂપિયા આવવાના છે, તેવી વાત કરી હતી
અને ફરિયાદી સહમત થતાં તેના ખાતામાં રૂા. 50,000 આવ્યા હતા અને 40 હજાર ઉપાડીને આરોપીને
આપી દીધા બાદ ખાતું ફ્રીઝ થઇ ગયું હતું. આમ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી
છે. - નખત્રાણાના બે ભાઇ એક જ આરોપીના
શિકાર બન્યા : નવાનગર નખત્રાણામાં રહેતા આરબ ઇમ્તિયાઝ
કાસમભાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી મોહંમદ મણિયાર (રહે. ભુજવાળા)એ ફરિયાદીને કહ્યું
કે, મારું એકાઉન્ટ બંધ થઇ ગયું હોવાથી કોઇ ટ્રાન્ઝેક્શન
થતું નથી આથી તારું ખાતું અને એટીએમ કાર્ડ મને આપ તેવું જણાવી વિશ્વાસમાં લઇ લીધો હતો.
ફરિયાદીના ખાતામાં ઓનલાઇન ઠગાઇના 94 હજાર મેળવી તેના ખાતાનો ગેરઉપયોગ કરી વિશ્વાસઘાત કર્યો હતો.
આ રીતની જ અન્ય એક ફરિયાદ આજે નખત્રાણા પોલીસ મથકમાં ઇમ્તિયાઝના ભાઇ અસલમે પણ આરોપી
મોહમ્મદ મણિયા વિરુદ્ધ નોંધાવી છે, જેમાં ફરિયાદીને ઉપર મુજબની વિગતો જણાવી તેના ખાતાનો ઓનલાઇન છેતરપિંડીનાં નાણાં
જમા કરવા અંગે ગેરઉપયોગ કરી વિશ્વાસઘાત કર્યો છે.