• બુધવાર, 13 નવેમ્બર, 2024

ખાંડેકના યુવાનની હત્યા મિત્રએ જ કરી

ગાંધીધામ, તા. 9 : પૂર્વ કચ્છમાં ઉપરા ઉપરી બનતા ગંભીર ગુનાઓની વચ્ચે આજે  વાગડમાં વધુ એક યુવાન પ્રવીણ નરશી જાદવ  (ઉ.વ. 35)ની તેના મિત્રએ જ હત્યા નીપજાવી હોવાનો બનાવ પ્રકાશમાં  આવતાં ભારે ચકચાર પ્રસરી છે. પૂર્વ કચ્છમાં હત્યાના બનાવના બનતા સિલસિલા વચ્ચે કાયદો વ્યવસ્થાની કોઈ ધાક જ ન હોવાની  સ્થિતિ સર્જાઈ  હોવાનું સમજાય છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી આ બનાવ અંગે મળતી વિગતો મુજબ રાપર તાલુકાના જદુપર ભંગેરા વચ્ચે આજે સવારના અરસામાં  હતભાગી યુવાનની લાશ મળી આવી હતી. પલાંસવા આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાવાયેલી એમ.એલ.સી.માં જણાવ્યા પ્રમાણે આડેસરના  રમણીક રામજી જાદવે ગત બપોરે ચાર વાગ્યાના અરસામાં બોથડ પદાર્થના ઘા મારી હતભાગી યુવાનની હત્યા નીપજાવી હતી. બોથડ પદાર્થના ઘાથી  માથાંના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મોત નીપજ્યું હતું. દરમ્યાન પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા. 8ના  સવારે આરોપી રમણીક અને પ્રવીણ એક્ટિવા ઉપર ખાંડેકથી આડેસર કડિયાકામ કરવા માટે નીકળ્યા હતા. મોડી સાંજ સુધી હતભાગી પરત ઘરે ન આવતાં તેમના પરિવારજનોએ શોધખોળ આદરી હતી. આ દરમ્યાન સાંજે  આરોપી રમણીક પણ મળ્યો હતો અને તેમણે પરિવારજનો  ખાંડેકથી આડેસર આવ્યા હતા, પરંતુ કામ ઉપર સાથે ગયા ન  હોવાનું કહ્યું હતું. દરમ્યાન ફરિયાદીના માસીના દીકરાએ હતભાગી અને આરોપી બન્ને જણને બોલાચાલી કરતા જોયા હોવાનું જણાવ્યું હતું. આરોપી  અને મૃતક જેના ઘરે કામ કરતા ગયા હતા તે શામજી ભાઈનો સંપર્ક સાધતાં તેમણે બન્ને જણ કામ ઉપર આવ્યા હોવાનું અને થોડીવાર બાદ રમણીક અને બાદમાં પ્રવીણ નીકળી ગયો હોવાનું કહ્યું હતું. આરોપી રમણીકને ફરી પૂછતાં તેણે બોલાચાલી થઈ હોવાની કેફિયત આપી હતી અને તેને સાથે રાખીને રાત્રિના અલગ અલગ સ્થળે તપાસ  કરી હતી, પરંતુ  મૃતકના કોઈ સઘડ મળ્યા ન હતા. આજે સવારે આરોપી રમણીકને શોધખોળ માટે સાથે આવવા કહ્યું તો આવ્યો ન હતો. આ દરમ્યાન પીરની ટેકરી પાસે એક્ટિવા પડી હોવાનું અજાણ્યા માણસે કહ્યું હતું, ત્યાં તપાસ કરતા હતભાગી યુવાનની લાશ મળી આવી હતી અને મોબાઈલ ફોન તૂટેલી હાલતમાં જણાયો હતો. આમ જે શખ્સે હત્યા નીપજાવી તે શખ્સ આખી રાત શોધવામાં ભેગો રહ્યો હતો. આ અંગે આડેસર પી.એસ.આઈ. શ્રી વાળાનો સંપર્ક સાધતાં આરોપી હાથવેતમાં હોવાનું કહ્યું હતું. અંગત અદાવતમાં હત્યા નીપજાવાઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang