• બુધવાર, 13 નવેમ્બર, 2024

મુંદરાની બીએસએનએલ ઓફિસમાં ચોરીના ઇરાદે ઘૂસેલા બે ચોર ઝડપાયા

ભુજ, તા. 9 : મુંદરાની બીએસએનએલ ઓફિસમાં ચોરીના ઇરાદે અડધી રાતે ઘૂસેલા બે ચોર ઇસમ રંગેહાથ ઝડપાયા હતા. આ અંગે મુંદરા પોલીસ મથકે જુનિયર ટેલિકોમ ઓફિસર જિયા ઉલ હક નવશામિયા બુખારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ સુખપર માર્ગે મુંદરાની બીએસએનએલ ઓફિસમાં તેઓ ફરજ બજાવે છે. તા. 8/11ના રાતે 12.45 વાગ્યે તેઓએ પોતાના મોબાઇલમાં તેઓની ઓફિસમાં લાગેલા અને તેઓના ફોન કનેક્ટેડ સીસીટીવી કેમેરા જોતાં ઓફિસની અંદર બે માણસ ફરતા દેખાયા હતા. આથી તેઓ ફોટા પાડી સેવ કરી લીધા બાદ મુંદરા પોલીસને તુરંત આ બાબતે વિગતો સાથે જાણ કરી હતી. આમ, પોલીસ પણ તુરંત એક્શનમાં આવી ફરિયાદી તથા પોલીસ ઓફિસે પહોંચતાં છત ઉપરથી લોખંડનો સળિયો, કોથળો અને કરવત સાથે ચોરીના ઇરાદે ઘૂસેલા બે ચોર ઇસમ એવા વિક્કી મુકેશ ચૂડાસમા અને વિક્રમ લખુ સાલમિયા (રહે. બંને જામનગર)ને રંગેહાથ ઝડપી લઇ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઇ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ ઓફિસમાં અગાઉ પરચૂરણ માલ-સામાનની ચોરી થયાની ફરિયાદ પણ ફરિયાદી નોંધાવી ચૂક્યા હતા. આમ, તકેદારીના ભાગરૂપે મોબાઇલ કનેક્ટેડ લગાડેલા કેમેરા થકી આ ચોરો રંગેહાથ ઝડપાયા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang