• બુધવાર, 13 નવેમ્બર, 2024

શિણાયમાં દિવાળીનું બોનસ મેળવવાની આશાએ પિતા-પુત્રે 98 હજાર ગુમાવ્યા

ગાંધીધામ, તા. 9 :  તાલુકાનાં શિણાય ખાતે ચાની કેબિન ધરાવતા આધેડ અને તેમના પુત્રને અજાણ્યા ઈસમે ફોન કરીને દિવાળીનું બોનસ અપાવવાની લાલચ આપી હતી. બાદ ફોન પે મારફતે ઓનલાઇન નાણાકીય હેરફેર કરી 98,782નો ધૂંબો લગાડયો હતો.  આદિપુર પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ તા. 23/10ના આ બનાવ બન્યો હતો. ભરતભાઇ બલદાણિયાને અજાણ્યા શખ્સે ફોન કરીને રાહુલ ગાયકવાડ બોલતો હોવાની ઓળખ આપી હતી, જેથી આધેડે તેમના પુત્ર કલ્પેશભાઈને ફોન આપીને વાત કરવા કહ્યું હતું. યુવાનને આ ઈસમે ગત વર્ષે દિવાળીનું બોનસ મળ્યું હતું, એમ પૂછતાં યુવાને ના પાડી હતી, જેથી ગઠિયાએ આ વખતે બોનસની તક ન જવા દો, જો તમે એક લાખ રૂપિયા જમા કરાવો, તો તમને દોઢ લાખ રૂપિયા મળશે અને તમે અત્યારે જમા કરાવો તો તમને એક વાગ્યા સુધીમાં બોનસ સહિતની રકમ પરત મળી જશે તેમ કહ્યું હતું. આ શખ્સની વાતોમાં  આવીને યુવાને એમેઝોન ઇન્ડિયા, જિઓ પ્રી-પેડ રિચાર્જ, એમેઝોન પે વગેરે પર ક્લિક કરી રૂા. 98,782 ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી જમા કરાવી નાખ્યા હતા. ત્યારબાદ તે જ દિવસે બપોરના એકાદ વાગ્યા સુધી આરોપીના જણાવ્યા મુજબ કોઇ રકમ પરત આવી ન હતી, જેથી પોતાની સાથે છેતરાપિંડી થયાનું ધ્યાને આવતાં ઓનલાઇન ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang