માંડવી, તા. 9 : શહેરના પ્રવેશદ્વાર સમા માંડવી-ભુજ રોડ પર વોર્ડ
નં. 4માં વૃંદાવન સોસાયટી મધ્યે આવેલા શોપિંગ સેન્ટરમાં આજે સવારે ભયંકર આગ લગતાં ત્રણ
ચાલુ અને ત્રણ બંધ દુકાનને લપેટમાં લેતાં લાખોના માલસામાનને નુકસાની થયાના વાવડ મળ્યા
છે. નગર સેવા સદનને જાણ કરાતાં તાત્કાલિક ફાયર
ફાઈટર ટીમ બનાવનાં સ્થળે પહોંચી, જો કે, કલાકોની
જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. આગનો ભોગ બનનારમાં સોનલ ઈન્ફોર્મેટિક, માર્સ ફાઇનાન્સ,
સ્થાપત્ય બિલ્ડ યુનિક તથા ત્રણ બંધ દુકાનનો સમાવેશ થયો છે. સોનલ ઈન્ફોર્મેટિકના નેહાબેન
ગઢવીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, આજે સવારે દરરોજના ક્રમ મુજબ ઓફિસની સફાઈ કરી
1પ મિનિટ બાદ ઓફિસે ભાઈ ગયો અને ઓફિસ ખોલતાં
જ ધડાકા સાથે ધુમાડો થયો અને આગની જ્વાળા ભાઈના મોઢા પર લાગી હતી. ઈલેકટ્રોનિક આઈટમોનો
શો રૂમ હોઈ લાખોનું નુકસાન થયાનું તેઓએ જણાવ્યું હતું. આ આગ સોર્ટ સર્કિટ કે અન્ય કયા
કારણથી લાગી તે તપાસ બાદ ખ્યાલ આવશે. આ આગના સમાચાર વાયુવેગે ફેલાતાં ઘટનાસ્થળે નગરપતિ
હરેશભાઈ વિંઝોડા, ફાયર વિભાગના ભૂપેન્દ્ર સલાટ, ભીમજી ફુફલ, કનૈયા ગઢવી, કમલેશ કોલી,
અરાવિંદ ડાભી, પાર્થ શાહ, ભરત ડાંગેરા, હસમુખ મહેશ્વરી, કરણ જેપાર, બાંધકામ વિભાગના
હરેશ ગઢવી, પી.જી.વી.સી.એલ.ના વિપુલભાઈ પટેલ અને તેમની ટીમ આવી પહોંચી હતી. તાત્કાલિક
વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. ફાયર સેફ્ટી બોટલ જાહેર જગ્યાઓએ લગાડવા તંત્ર દ્વારા
રાજકોટના બનાવ સમયે તપાસ કરવામાં આવેલી, પરંતુ સરકારી કામગીરી મુજબ દેખાવ પૂરતું
1-ર દિવસ કામ થયું પછી `જૈસે થે'
થઈ ગયું. આવા બનાવો બને છે ત્યારે જાહેર સંસ્થાઓ, સમાજવાડી, પ્રાથમિક-માધ્યમિક, શાળા-કોલેજો,
સરકારી કચેરીઓ, ચારે બાજુ વધી ગયેલા ટયુશન કલાસીસો તેમજ મોલ, કોમ્પલેક્સ વિગેરે જગ્યાઓએ
તપાસ કરાવી વહીવટી તંત્રએ અમલવારી કરાવવી જોઈએ, તેવું જાગૃતો જણાવી રહ્યા છે.