• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

મુંદરા પોર્ટ પર સોપારી સાથેનાં બે કન્ટેનર ઝડપાયાં : બે કરોડની ગેરરીતિ

મુંદરા,  તા. 11 : સોપારી કાંડને મુદ્દે બહુ ગાજેલા મુંદરા પોર્ટ પરથી મિસ ડિક્લેરેશન દ્વારા સોપારીની આયાત હજુ દૂર નથી થઈ. ગઈકાલની ઘટનાના મળતા અહેવાલ મુજબ ગાંધીધામ ડીઆરઆઈએ  સોપારીની આયાતનો કુલ  રૂપિયા બે કરોડનો ગોટાળો પકડી પાડયો હતો. બે કન્ટેનરોમાં ઝડપાયેલી આ ગેરરીતિમાં રૂપિયા એક કરોડની કિંમતના ઝડપાયેલા સોપારીના  જથ્થા અને  રૂપિયા એક કરોડની ડયૂટીચોરીનો સમાવેશ થાય છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગુજરાતની એક પાર્ટી દ્વારા મગાવાયેલાં અને દક્ષિણ પૂર્વના દેશ અથવા વાયા યુએઈથી આયાત થયેલાં કન્ટેનરોની તપાસ કરતાં બે કન્ટેનરમાંથી રૂપિયા એક કરોડની કિંમતની 16 ટન સોપારી મળી આવી હતી. સત્તાવાર રીતે મસાલાની આયાત દેખાડવામાં આવી હતી, પરંતુ આ મસાલાની વચ્ચે સોપારીનો જથ્થો મળી આવતાં આગળની કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રો ઉમેરે છે કે, બે કન્ટેનરમાંથી આ માલ પકડાતાં કુલ રૂપિયા એક કરોડની ડયૂટીચોરી થઈ છે. આ સાથે બે કરોડની  ગેરરીતિ સામે આવી છે. દરમ્યાન, અગાઉ કપડાંની આડમાં ચાઈનીઝ રમકડાં દેશમાં ઘૂસાડવાના ગાંધીધામ ડીઆરઆઈએ ઝડપી પાડેલા મામલામાં પણ તપાસ આગળ વધી રહી હોવાનું જાણવા મળે છે, જેમાં પાંચ કન્ટેનરને દેશ બહારથી પાછા મગાવ્યા હતા અને તપાસ કરતાં ગોટાળો બહાર આવ્યો હતો. આમ, બંદરીય વિકાસ સાથે કચ્છમાં મિસ ડિક્લેરેશનથી દાણચોરીના મામલા સતત બહાર આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકાર સ્તરે કડક સૂચનાની જરૂર જાણકારો દર્શાવી રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang