ચોબારી, તા. 23 : ભચાઉ તાલુકાના કડોલ ગામમાં એક ખેડૂતનાં ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસેલા ત્રણ બુકાનીધારીઓએ આધેડ ઉપર હથોડી, પાઇપ વડે હુમલો કરી નાસી ગયા હતા. વાગડ પંથકમાં ચોરીના વધેલા બનાવોને કારણે ભારે ચકચાર પ્રસરી છે. કડોલ ગામમાં રામદેવપીરવાસમાં રહેતા આધેડ ખેડૂત એવા પેથા લાખાભાઇ લોંચાના ઘરને નિશાચરોએ નિશાન બનાવ્યું હતું. આ ફરિયાદી અને તેમના પત્ની માલીબેન નળિયાવાળાં મકાનમાં બહારના ભાગે સૂતા હતા, જ્યારે આ ફરિયાદીના પુત્ર મહેશ અને પુત્રવધૂ બીજા રૂમમાં સૂતા હતા. દરમ્યાન ગત મોડી રાત્રે દરવાજો ખૂલવાનો અવાજ થતાં ફરિયાદી અને તેમના પત્ની જાગી ગયા હતા. જાગીને જોતાં ત્રણ અજાણ્યા શખ્સો બુકાની બાંધીને ઊભેલા જણાયા હતા. ફરિયાદી આ લોકો પાસે જતાં એક શખ્સે હથોડી વડે હુમલો કર્યો હતો, તો બીજાએ લોખંડના પાઇપ વડે આડેધડ હુમલો કર્યો હતો. ફરિયાદીના પત્નીને પણ માર મારવામાં આવ્યો હતો. રાડારાડનાં પગલે ખેડૂતપુત્ર મહેશ જાગી ગયો હતો, પરંતુ નિશાચરોએ તેના રૂમને બહારથી બંધ કરી દીધો હતો, જેથી મહેશ બારી તોડીને બહાર આવવા લાગતાં તેને ઇજાઓ પહોંચી હતી. દેકારાના કારણે આસપાસના લોકો જાગી જતાં અને ત્યાં આવતાં આ ત્રણ બુકાનીધારી શખ્સો નાસી ગયા હતા. મોઢે કપડું બાંધી શર્ટ, પેન્ટમાં આવેલા આ શખ્સો 25થી 30 વર્ષની વયના જણાયા હતા. નાસી જનારા આ નિશાચરો થેલો, ચંપલ, માસ્ક, હથોડી મૂકીને નાઠા હતા. ધાડપાડુઓના હુમલાથી ઘવાયેલા આધેડને સારવાર અર્થે પ્રથમ ભચાઉ અને બાદમાં વધુ સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વાગડ પંથકમાં વધતા ઘરફોડ ચોરીના બનાવોથી લોકો ચિંતિત હતા તેવામાં ઘર માલિકો ઉપર જીવલેણ હુમલા પણ થતાં લોકોમાં આક્રોશની લાગણી પ્રસરી છે.