• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

બ્લિંકિટ નહીં કરે `10 મિનિટમાં ડિલિવરી'

નવી દિલ્હી, તા.13 : હવે ઘર બેઠા મંગાવવામાં આવતી વસ્તુ `10 મિનિટ'માં નહીં આવે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની કડક સૂચના બાદ ક્વિક કોમર્સ કંપની `િબ્લંકિટ'એ પોતાના તમામ બ્રાન્ડ પ્લેટફોર્મ પરથી `10 મિનિટમાં ડિલિવરી'નો દાવો સંપૂર્ણ રીતે હટાવી દીધો છે. ડિલિવરી કર્મચારીઓની સુરક્ષા અને સારા કામકાજી માહોલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.  બ્લિંકિટના નિર્ણય બાદ હવે ઝોમેટો અને સ્વિગી પણ  ઝડપી સેવાને હટાવશે. કેન્દ્રીય મંત્રીએ બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને  તેમને ડિલિવરી કર્મચારીઓની જિંદગીને ખતરો ન રહે અને તેઓ સલમાત રીતે કામ કરી શકે એ માટે ઝડપી ડિલિવરી સમય મર્યાદાને હટાવવાની સલાહ આપી હતી. બેઠકમાં તમામ કંપનીઓએ સરકારને ધરપત આપી હતી કે તે પોતાના બ્રાન્ડ વિજ્ઞાપનો, સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મથી ડિલિવરી સમયની સખત પ્રતિબદ્ધતાને હટાવી દેશે. બ્લિંકિટે તુરંત જ આ ફેરફારને અમલી બનાવી દીધો હતો જ્યારે બાકીની કંપનીઓ હવે આ પગલું ભરશે. છેલ્લા થોડા સપ્તાહોથી ગિગ વર્કર્સ સંગઠનોએ મોટા પાયે વિરોધ પ્રદર્શન અને હડતાળ પાડી હતી. તેઓએ  10-20 મિનિટની અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી પ્રક્રિયાને અસુરક્ષિત બતાવી હતી કેમકે તેને કારણે ડિલવરી કર્મચારીને ખૂબ ગતિમાં વાહન ચલાવવું પડતું હોવાથી અકસ્માતનું જોખમ વધી જતું હતું. સંગઠનોએ 31 ડિસેમ્બરના પણ હડતાળ કરી હતી અને શ્રમમંત્રીને આવેદન આપ્યું હતું. આ નિર્ણય બાદ કંપનીઓ હવે તેમના પ્રચારમાં ડિલિવરી માટે નિશ્ચિત સમયની ખાતરી આપશે નહીં. તેનો અર્થ એ થયો કે હવે કંપનીઓ 10 મિનિટમાં ડિલિવરીનું વચન આપશે નહીં. જોકે તેનો અર્થ એ પણ નથી કે ડિલિવરીની ગતિ ઘટી જશે. પરંતુ હવે એ બાબત પર લક્ષ્ય અપાશે કે સલામત રીતે અને કોઈ દબાણ વિના વસ્તુની ડિલિવરી થાય એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. 

Panchang

dd