• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

ગુજરાતના દરિયામાં નવ પાકિસ્તાની દબોચાયા

અમદાવાદ, તા. 15 (પીટીઆઈ) : ભારતીય કોસ્ટગાર્ડ (આઈસીજી)એ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમારેખા નજીક ભારતીય પાણીમાં નવ ક્રૂ સભ્યો સાથે પાકિસ્તાની માછીમારી બોટ જપ્ત કરી છે તેવું અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, બોટ પોરબંદર લવાઈ હતી. એક ઝડપી અને સચોટ કામગીરીમાં ભારતીય કોસ્ટગાર્ડના જહાજે અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન કાલ્પનિક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમારેખા નજીક ભારતીય પાણીમાં એક પાકિસ્તાની માછીમારી બોટ જોઈ તેવું સંરક્ષણ વિભાગના પીઆરઓ વિંગ કમાન્ડર અભિષેક કુમાર તિવારીએ એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે પડકાર ફેંકાયો ત્યારે બોટે પાકિસ્તાન બાજુ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જો કે, કોસ્ટગાર્ડનાં જહાજે ભારતીય પાણીમાં બોટને અટકાવી અને કબજે કરી લીધી હતી. પાકિસ્તાની બોટ અલ-મદીનામાં કુલ નવ ક્રૂ સભ્યો હતા. કોસ્ટગાર્ડનાં નિવેદનમાં જણાવાયું હતું કે, પાકિસ્તાની નૌકા `અલ-મદીના'ને પોરબંદર લવાયા પછી એજન્સીઓ દ્વારા ગહન તપાસ અને પૂછપરછની તૈયારી કરાઈ હતી. તપાસમાં કોઈ જાતનો વિલંબ નહીં કરાય તેવી ખાતરી આપતાં જણાવાયું હતું કે, પાકિસ્તાની નૌકા સાથે નવ શખ્સ ભારતીય જળસીમામાં આટલા અંદર સુધી કેમ ઘૂસી આવ્યા તે જાણવા પ્રયાસો શરૂ કરી દેવાયા છે. શું આ માત્ર માછીમારીનો મામલો છે કે નૌકા મારફતે નશીલા પદાર્થો ભારતમાં ઘુસાડવાનો નાપાક ઈરાદો હતો તેની તપાસ થશે. ઘણીવાર પાકિસ્તાની તસ્કરો માછલી પકડવાની જાળની નીચે કેફી પદાર્થોનાં પેકેટ છુપાવીને લાવે છે, જેનો ઉપયોગ `નાર્કો ટેરર' ફેલાવવામાં થાય છે. 

Panchang

dd