ભુજ, તા. 15 : ગઇકાલે મુંદરામાં મોબાઇલ ફોનમાં
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા શખ્સને પોલીસે ઝડપી કાયદેસરની
કાર્યવાહી કરી હતી. ગઇકાલે મુંદરા વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે
બાતમીનાં પગલે બારોઇ રોડ પર એક્સિસ બેન્કની સામે આવેલી ભવાની પાર્લરવાળી ગલીમાં આરોપી
અજય દિનેશભાઇ રાઠોડ (રહે. મુંદરા, મૂળ અમરેલી
જિલ્લો)ને ઝડપી તેના મોબાઇલમાં જોતાં તે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ
ઉપર એપ મારફત સટ્ટાબેટિંગનો હાર-જીતનો જુગાર રમી-રમાડતો હતો. એપમાં બેલેન્સ રૂા. 13,400 તથા એક મોબાઇલ કિં. રૂા. 5000ના મુદ્દામાલ સાથે ઝડપી મુંદરા
પોલીસ મથકે જુગાર ધારા તળે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.
: ધમડકા પાસે ટ્રકની હડફેટે માર્ગ
ઓળંગતા વૃદ્ધનું મોત : ગાંધીધામ, તા. 15 : અંજારનાં ધમડકા નજીક ભુજ-ભચાઉ ધોરીમાર્ગ ઉપર માર્ગ ઓળંગતા અયુબ
લાલમામદ હિંગોરજાને ટ્રકે હડફેટે લેતાં વૃદ્ધએ
જીવ ખોયો હતો. અંજારના જગતપરમાં રહેતા અયુબ હિંગોરજા નામના વૃદ્ધ ગઇકાલે સવારે કામથી
ધમડકા બાજુ ગયા હતા, ત્યાં સહયોગ
હોટલ નજીક ભુજ-ભચાઉ ધોરીમાર્ગ ઓળંગી રહ્યા હતા, ત્યારે ટ્રક નંબર
ડીડી-01-એસી 9115એ તેમને હડફેટમાં લીધા હતા, જેમાં તેમને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી.
તેમને પ્રથમ દુધઇ અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાતાં
ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ટ્રકચાલક સામે વૃદ્ધના દીકરા રમજાન
હિંગોરજાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.