ભુજ, તા. 15 : મુંદરા તાલુકાનાં એક ગામની
કંપનીમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના પતિ-પત્ની મજૂરીએ ગયા હતા અને પાછળથી તેની છ વર્ષની
માસૂમ બાળાને હવસખોર ઈસમે પીંખી દુષ્કર્મ આચરી ઈજા પહોંચાડયાનો ઘૃણાસ્પદ બનાવ સામે
આવ્યો છે. આ ફિટકાર વરસાવનારા બનાવ અંગે બે દિવસ પહેલાં મુંદરા મરીન પોલીસ મથકે બાળકીના
પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મૂળ ઝારખંડના છે અને પેટીયું રળવા અહીંની એક કંપનીમાં
પોતે તથા પત્ની મજૂરીકામ કરે છે. કંપનીની લેબર કોલોનીમાં રહેતા આ દંપતી ગત તા. 12/1ના કામે ગયા હતા, ત્યારે બાજુમાં રહેતા આરોપી મનીષ કુમારે ફરિયાદીની
છ વર્ષની સગીરવયની દીકરીની એકલતાનો લાભ લઈ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ ગુજારી,
શારીરિક-માનસિક ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘૃણાસ્પદ બનાવની
વિવિધ ભારે કલમો તળે મુંદરા મરીન પોલીસે ફરિયાદ નોંધીને 26 વર્ષીય આરોપી મનીષકુમાર માંઝી
(રહે. મૂળ બિહાર)ને ઝડપી લીધાની વિગતો તપાસકર્તા પીઆઈ પી.કે. રાડાએ આપી હતી. ઓળખ પરેડ
બાદ તેની વિધિવત ધરપકડ કરાશે.