• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

વાગડના વરણેશ્વર ધામે 551 ટ્રેક્ટરોનો ચારો અર્પણ

રાપર, તા. 15 : તાજેતરમાં  કચ્છના નાના રણમાં આવેલા વચ્છરાજ દાદાના મંદીરે ગૌસેવા માટે વાગડમાંથી 351 ટ્રક ભરેલો ઘાંસ ચારો મોકલવામાં આવ્યો હતો  ત્યારે મકર સંક્રાંતિના પર્વે  તાલુકા મથકથી આશરે પચાસ કિલોમીટરના અંતરે આવેલા ઐતિહાસિક વરણેશ્વરદાદાનાં મંદિરે ઉતરાયણના પાવન પર્વ નિમિત્તે ગૌસેવાની ભાવનાને સાકાર કરી ગાયો માટે મોટી માત્રામાં ઘાંસ ચારા ભરેલી ટ્રકો મોકલવામાં આવી હતી.  ગૌ સેવા ક્ષેત્રે વાગડ વધુ એક વખત આગળ રહ્યું હતું.  રવેચીનગર યુવા ગ્રુપ તથા વર્ણેશ્વર યુવા ગ્રુપ, ભીમાસર અને રાપર તાલુકાના રાજપૂત સમાજ દ્વારા કુલ 551 ટ્રેક્ટરોમાં ઘાસચારો ભરી વરણેશ્વરદાદાના ધામે અર્પણ કરવામાં આવ્યો હતો. આ ગૌસેવા અભિયાનમાં વાગડ, પ્રાવથર, ચોરાડ, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાંથી અઢારે વર્ણના લોકોએ એકતા અને શ્રદ્ધા સાથે  સહકાર આપ્યો હતો. રાપર તાલુકાનાં વિવિધ ગામોમાંથી નીકળેલી ટ્રેક્ટરોની અંદાજે દસ કિલોમીટર લાંબી લાઇને માર્ગોને ગૌભક્તિના મહામાર્ગમાં રૂપાંતરિત કરી દીધા હતા. આ દૃશ્ય દરેક માટે ગર્વ, આસ્થા અને ભાવવિભોરતાનો અનુભવ કરાવનારું હતું.  વર્ણેશ્વર યુવા ગ્રુપ ભીમાસર અને રવેચીનગર યુવા ગ્રુપના સંયુક્ત આયોજનથી સર્જાયેલું આ આયોજન માત્ર ગૌસેવાનું કાર્ય નહીં પરંતુ સમાજની એકતા, સંસ્કાર અને સંસ્કૃતિની અવિસ્મરણીય છાપ છોડી ગયું હતું. વરણેશ્વરદાદાના મંદિરે પહોંચેલા 551 ટ્રેક્ટરોનું ફૂલવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. હજારો લોકોની હાજરીથી સમગ્ર પરિસરમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો. પલાંસવા રાઠોડ પરિવાર દ્વારા તમામ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વરણું તથા મોમાઈમોરા જાગીરોમાં  ઘાસચારાનું દાન કરનાર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનાં ભાઈ પરબતભાઈ ચૌધરીનું  સન્માન કરવામાં આવ્યું હતું. વરણેશ્વર જાગીરના ગાદીપતિ મહંત શુભમગિરી બાપુના માર્ગદર્શન હેઠળ આયોજન સફળતાપૂર્વક થયું હતું.  

Panchang

dd