• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

આધોઈ સોપારી કાંડમાં બે આરોપી વધુ એક દિવસના રિમાન્ડ ઉપર

ગાંધીધામ, તા. 15 : ભચાઉના આધોઈ-શાહનગરમાં ઘરમાં ઊતરતી સોપારી કાંડમાં પકડાયેલા સાત શખ્સો પૈકી બેના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. દરમ્યાન આ સોપારી ક્યાંથી નીકળી હતી તે શોધવા પોલીસે સી.સી.ટી.વી વગેરે મેળવવા પ્રયાસ આદર્યા છે. આધોઈના શાહનગરમાં રોડટચ આવેલા એક મકાનમાં સોપારી ઊતરી રહી હતી ત્યારે સરહદી રેન્જની સાયબર સેલએ આ કૌભાંડને પકડી પાડયું હતું. સાથોસાથ ચાલક દીપારામ જાટ, એજાઝ જમીલ સોરઠિયા, મહમદ ઈકબાલ આરબિયાણી, પરેશ જયંતીલાલ શાહ, આનંદકુમાર સરસચંદ્રસિંઘ, મનીષ રઘુનાથ નાથાબાવા, હિરેન ઈશ્વરપુરી ગોસ્વામી નામના શખ્સોને પકડી પાડયા હતા. અહીંથી રૂા. 1,06,60,000ની સોપારી, ટ્રેઈલર નંબર જી.જે.-12-બી.વાય.-4537 તથા અન્ય બે કાર જપ્ત કરવામાં આવી હતી. પકડાયેલા આ શખ્સોને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. આજે ત્રણ દિવસ પૂર્ણ થતાં વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા જેમાં આનંદ અને એજાઝના વધુ એક દિવસના રિમાન્ડ મળ્યા હતા જ્યારે અન્ય શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. દરમ્યાન પકડાયેલા ચાલકને સાથે રાખીને બનાવનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવ્યું હતું. આ આખી ટોળકી ઈન્ડોનેશિયાની કોઈ એપ્લિકેશન થકી વાર્તાલાપ કરતી હતી. આ કન્ટેનર 12મા મહિનામાં મુંદરા આવ્યું હતું. આ કન્ટેનર મગાવનાર કંપનીને ઈ-મેઈલ કરાયો હોવાનું બહાર આવ્યું હતું. તેમજ મુંદરાથી નીકળેલું આ કન્ટેનર પ્રથમ કાસેઝમાં ગયું હતું બાદમાં જપ્ત કરાયેલું કન્ટેનર એ જ છે કે અન્ય કોઈ છે તે પ્રશ્ન ગૂંચવાયેલો છે.  આ ટોળકીએ કન્ટેનર બદલાવીને બનાવને અંજામ આપ્યો હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે. તેવામાં મુંદરા-કંડલા કસ્ટમ પાસેથી કન્ટેનર તથા સી.સી.ટી.વી.ના ફૂટેજ મેળવવા પણ તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. કન્ટેનર મુંદરાથી નીકળી કાસેઝની એક કંપનીમાં ગયું હતું. ત્યારે તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સોપારી વગેરેનો જથ્થો કાસેઝમાંથી બારોબાર નીકળતો હોવાના આક્ષેપો વચ્ચે એ વાતને સમર્થન મળતું હોવાનું  સમજાય છે. 

Panchang

dd