રાપર, તા. 6 : ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા
સરહદી ધોળાવીરા જતાં રસ્તા પરથી પસાર થવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. ઠેર ઠેર
થયેલાં દબાણોથી આ રસ્તો આમ પણ સાંકડો થઈ ગયો છે,
એમાંય ઘણાંબધાં હોલસેલ વેપારીઓ આ રસ્તા પર હોવાથી આ માર્ગ એક ધમધમતાં
માર્કેટમાં તબદીલ થઈ ગયો છે, તો પ્રાંથળ ખડીર જતાં ખાનગી વાહનો
પણ અહીંથી જ મુસાફરોને ચડાવતાં-ઉતારતાં હોવાથી આ માર્ગ આવાંપ્રવાસી વાહનો, માલવાહક વાહનો સહિતનાં વાહનોથી વ્યસ્ત રહે છે. વાહનો અને લોકોથી ધમધમતા આ રોડ
પર જ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, પ્રાથમિક શાળા અને મોટો રહેણાક
વિસ્તાર પણ આવેલો હોવાથી અહીં ટ્રાફિક નિયમન ખૂબ જ જરૂરી બની જાય છે. આડેધડ દબાણો,
પેસેન્જર તથા માલવાહક વાહનો રસ્તો રોકીને જાણે બસ સ્ટેશન હોય તેમ મોટી
મોટી પેસેન્જર બસો પણ અહીં બિન્ધાસ્ત કલાકો સુધી ટ્રાફિક અવરોધતી પડી હોય છ,ઁ તો રસ્તા પર જ જોખમી રીતે મુસાફરોને ચડાવતાં-ઉતારતાં ખાનગી વાહનોને જાણે
કે કોઈ રોકનાર કે ટોકનાર નથી! આટલી અરાજકતા અને ટ્રાફિકજામ થતો હોવા છતાં આ રોડ પર
કયાંય પોલીસ કે ટ્રાફિક જવાન જોવા મળતો નથી. જાણે કે આ વિસ્તાર પોલીસની હદમાં જ ન હોય
તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. મોટા ભાગનાં ગુના આ વિસ્તારમાં જ બનતા હોવા છતાં પોલીસ
પ્રસાદી લેવા પૂરતી જ દેખાય છે. દારૂ જેવી અનેક બદીઓ આ વિસ્તારમાં ફૂલીફાલી છે,
ત્યારે પોલીસ આ વિસ્તારમાં પણ આંટો મારે અને પોતાની હાજરી પુરાવે તે
ઈચ્છનીય છે.અહીં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રની સામેનાં ડિવાઈડરમાં કટ ન મૂક્યો હોવાથી
એમ્બ્યુલન્સ કે હોસ્પિટલમાં આવતાં વાહનો રોંગ સાઈડમાંથી હોસ્પિટલમાં દાખલ થતાં હોય
છે અને ત્યાંજ રીક્ષાઓ અને લારીઓ ઊભી રહેતી હોવાથી આ ટર્ન અકસ્માતનું જોખમ ઊભું કરી
રહ્યો છે. અહીં હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સ આવી જઈ શકે તે માટે ડિવાઈડરમાં કટ આપવો જરૂરી
છે.