અંજાર, તા. 6 : આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને
શહેરમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
શહેરના દેવળિયા નાકાથી 12 મીટર રોડ
થઇ ગંગા નાકા સુધીના માર્ગ પર મોટા વાહનો, કોરીડોર વાહનોને પ્રવેશ ન મળે અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પોલીસ
તંત્ર દ્વારા ટ્રાફિક પોલ લગાવવામાં આવ્યા છે. બજારમાં સવારના 10થી રાત્રિના 9 સુધી મોટાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
રહેશે. તહેવારો દરમ્યાન બજારમાં લોકોની અવરજવર તથા વાહનોની સંખ્યામાં વધારો થતો હોવાથી
ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે આ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ વ્યવસ્થાના
કારણે વાહનવ્યવહાર સુચારુ, રાહદારીઓ,
નાના વાહનચાલકોને સરળતા રહે તેવી અપેક્ષા છે. પોલીસની આ કામગીરીને મહત્ત્વપૂર્ણ
માનવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા
તથા નિર્ધારિત સમય દરમ્યાન મોટા વાહનો લઇને પ્રતિબંધિત માર્ગ પર પ્રવેશ ન કરવા અપીલ
કરવામાં આવી છે.