• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

દારૂ- માદક પદાર્થના દૂષણની સ્વતંત્ર તપાસ જરૂરી

મુંદરા, તા. 6 : કચ્છમાં દારૂ સાથે હવે માદક પદાર્થોનું પણ ગેરકાયદે વેચાણ અને હેરાફેરીનું પ્રમાણ વધ્યું છે અને કચ્છના યુવા ધનને આ દુષણથી બચાવવું અત્યારના સમયમાં બહુ જરૂરી બન્યું છે ત્યારે આ પ્રશ્ને સમયસર તપાસ અને કડક કાર્યવાહી કરવા માગણી ઊઠી છે. મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર અને કચ્છ રેન્જ પોલીસ મહાનિરીક્ષક સહિત વિવિધ સ્તરે લખાયેલા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે, દારૂબંધીનો કાયદો અમલી હોવા છતાં દેશી- વિદેશી દારૂ, ગાંજો, અફીણ અને અને માદક પદાર્થોનું ગેરકાયદે વેચાણ અને હેરાફેરીની પ્રવૃત્તિની વારંવાર ઉઠતી ગંભીર ફરિયાદો અને થઈ રહેલી રજૂઆતોની સ્થાનિક પોલીસ તંત્ર અને અધિકારીઓને જાણકારી કેમ નથી, અને હોય તો કાર્યવાહી કેમ થતી નથી ? ખાસ કરીને લાંબા સમયથી મહત્ત્વની શાખાઓમાં ફરજ બજાવતા અને કથિત રીતે વહીવટ કામ સાથે સંકળાયેલા પોલીસ કર્મચારીઓ અંગે કરવામાં આવતા આક્ષેપોની સ્વતંત્ર તપાસ કરવામાં આવે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ સલીમભાઈ જતે લખેલા આ પત્રમાં વધુમાં સવાલ ઉઠાવાયો હતો કે, મોટી રેડ બાદ જવાબદારી માત્ર નીચલા સ્તરે જ કેમ મુકાય છે. એસઓજી સહિતની એજન્સી દ્વારા કચ્છમાં કરવામાં આવતી મોટી કાર્યવાહીની કેસ મુજબ સમીક્ષા કરાય. માત્ર સ્થળ પર ફરજ બજાવતા કર્મચારીની જ બદલી કે સસ્પેન્શન જેવી કાર્યવાહી પૂરતી છે કે નહીં અને આવી ગેરપ્રવૃત્તિ ક્યાંથી શરૂ થઈ તેની પણ તપાસ થાય.  સુરજબારી સહિત કચ્છના પ્રવેશ માર્ગોથી ગેરકાયદે સામગ્રી આવતી હોવાના આક્ષેપ હોય તો ચાકિંગ અને દેખરેખ કામગીરીની સમીક્ષા કરાય. જેમાં માત્ર જથ્થો પકડવા સુધીની કાર્યવાહી સીમિત ન રાખી માલ ક્યાંથી આવ્યો ?, કોણ લાવ્યું અને કોને પહોંચાડવાનું હતું એ સમગ્ર ચેનની તપાસ થાય તેમજ પોલીસ કર્મચારીઓની આવકના સ્ત્રોત, મિલકતો, સંપત્તિ અને નાણાકીય વ્યવહારો તથા એક જ સમયે સંબંધિત જગ્યા પર ફરજ બજાવવાના રેકર્ડની પણ તપાસ કરાય અને આ બધી બાબતોની તપાસો જિલ્લા બહારની સ્વતંત્ર તપાસ એજન્સી દ્વારા જ કરાય તેવી માંગણી પત્રમાં કરાઈ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd