અંજાર, તા. 6 : અંજાર શહેરના સવાસર નાકા પાસે
ગટર ઉભરાવાની સમસ્યાને પગલે રસ્તાઓ પર દૂષિત પાણી
ફરી વળતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવાસર
નાકાથી સોરઠીયા નાકા તરફ જતા માર્ગ પર ગટરનું પાણી રસ્તા પર વહેતું થતાં જાણે ગંદા
પાણીની નદી વહેતી હોય તેવો માહોલ સર્જાયો હતો. જેના કારણે વાહનચાલકોને પણ સાવચેતીપૂર્વક
પસાર થવાની ફરજ પડી હતી, જ્યારે રાહદારીઓને
ગંદા પાણી વચ્ચેથી પસાર થવાની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ગટર ઉભરાવાની અસર નજીક
આવેલા જથ્થાબંધ શાકભાજી માર્કેટમાં પણ જોવા મળી હતી. માર્કેટ વિસ્તારમાં પાણી ભરાતાં
વેપારીઓ, ગ્રાહકો અને અન્ય લોકોને ભારે મુશ્કેલી પડી હતી. ગંદા
પાણીના ભરાવાને કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાતાં લોકોમાં પણ તંત્ર સામે અસંતોષ
જોવા મળ્યો હતો. શહેરના મહત્વના વિસ્તારમાં
વારંવાર ગટર ઉભરાવાની સમસ્યા સર્જાતી હોવાના કારણે અંજાર સુધરાઈની ગટર વ્યવસ્થા અને
સફાઈ કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. ગટર લાઇનની નિયમિત સફાઈ અને જાળવણી કરવામાં
આવે છે કે નહીં તેમજ સમસ્યાનું કાયમી નિરાકરણ કેમ થતું નથી તેવા સવાલો પણ સ્થાનિકોમાં
ઉઠી રહ્યા છે.સુધરાઈ તંત્ર દ્વારા માત્ર ગટર ઉભરાયા બાદ તાત્કાલિક કામગીરી કરવાને બદલે
ગટર લાઇનની યોગ્ય તપાસ કરી જરૂરી સફાઈ અને જાળવણી હાથ ધરવામાં આવે તેવી માંગ લોકો એ
કરી હતી.