નવી દિલ્હી, તા.6 : ભારતીય મહિલા
ક્રિકેટને નવી ઊંચાઈઓ અને આક્રમક ઓળખ અપાવનારી સફળ કેપ્ટન હરમનપ્રીત કૌરે અચાનક તમામ
ફોર્મેટની કપ્તાની પદેથી રાજીનામું આપી દીધું છે. લાંબા સમય સુધી રાષ્ટ્રીય ટીમનું
સુકાન સંભાળ્યા બાદ હરમનપ્રીતે સોશિયલ મીડિયા પર અત્યંત ભાવુક પોસ્ટ શેર કરીને પોતાના
આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી. હરમનપ્રીતના પદત્યાગ સાથે જ ભારતીય ક્રિકેટમાં
નેતૃત્વ પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં સ્ટાર ઓપનર અને વર્તમાન વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના આ પદ માટે સૌથી પ્રબળ
દાવેદાર તરીકે ઊભરી આવી છે. બીસીસીઆઈની સમીક્ષા બેઠક બાદ હરમને સુકાન છોડવાનો નિર્ણય
લીધો હતો. હરમનપ્રીત કૌરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, આજે
હું ભારતીય મહિલા ક્રિકેટ ટીમની તમામ ફોર્મેટની કપ્તાની છોડી રહી છું. આ નિર્ણય લેવો
સહેજ પણ સરળ નહોતો. આ જવાબદારી સાથે વર્ષોની યાદો, લાગણીઓ,
ત્યાગ અને એવી અસંખ્ય ક્ષણો જોડાયેલી છે જે આખી જિંદગી મારી સાથે રહેશે.
મેં આ ટીમ અને દેશના મહિલા ક્રિકેટ માટે મારું બધું જ સમર્પિત કર્યું છે. મારું લોહી,
પરસેવો, સમય અને ઘણી વખત મારી રમત તેમજ અંગત મહત્ત્વાકાંક્ષાઓ
પણ. એવી ઘણી ક્ષણો આવી જ્યારે મારે મારા અંગત પ્રદર્શન અને પ્રગતિને બાજુ પર રાખવા
પડયા, કારણ કે મારા મતે હંમેશાં `ટીમ હિત'
સર્વોપરી રહ્યું છે. પોતાના કાર્યકાળના પડકારો અને સિદ્ધિઓને વાગોળતાં
તેણે ઉમેર્યું હતું કે, મેં દરેક પ્રકારના તબક્કાનો અનુભવ કર્યો
છે. હૃદય તોડી નાખે તેવી હારની ક્ષણો, આકરી ટીકાઓ, શંકાઓ અને એવા મુશ્કેલ દિવસો જ્યારે પરિસ્થિતિ સાવ પ્રતિકૂળ હતી. સાથોસાથ મેં
અદ્ભુત ઐતિહાસિક પળો પણ માણી છે. યાદગાર જીત, ભવ્ય ઉજવણી,
દેશનું પ્રતિનિધિત્વ કરવાનું ગૌરવ અને એ ક્ષણો જેમણે મારા દરેક ત્યાગને
સાર્થક બનાવ્યો. આજે હું ભારે હૈયે પરંતુ માનસિક શાંતિ સાથે કપ્તાની છોડી રહી છું,
કારણ કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણી ટીમ યોગ્ય અને સુરક્ષિત સ્થિતિમાં
છે. - સુકાની તરીકે
હરમનપ્રીત કૌર સફળ : હરમનપ્રીત
ભારતીય મહિલા ક્રિકેટ ઇતિહાસની સૌથી સફળ કેપ્ટન તરીકે વિદાય લઈ રહી છે. નવેમ્બર 2025માં સાઉથ આફ્રિકા સામે રમાયેલી
ફાઇનલમાં વિજય મેળવીને તેણે ભારતને મહિલા વન-ડે ક્રિકેટ ઇતિહાસનો સર્વપ્રથમ વર્લ્ડ
કપ ખિતાબ અપાવ્યો હતો. આ સિવાય એશિયા કપમાં તેનો દબદબો અજોડ રહ્યો હતો, જ્યાં તેણે 2012, 2016, 2022 અને 2026 એમ રેકોર્ડ ચાર વખત એશિયા કપ
જીતીને પૂર્વ કેપ્ટન મિતાલી રાજના વિક્રમને પણ પાછળ છોડી દીધો હતો. તેનાં જ નેતૃત્વમાં
ભારતીય ટીમે 2022 અને 2026ની એશિયન ગેમ્સમાં સતત બે ગોલ્ડ
મેડલ પોતાના નામે કર્યા હતા, જ્યારે
2020ના ટી20 વર્લ્ડ કપમાં પણ ભારત તેના
સુકાન હેઠળ રનર્સ-અપ રહ્યું હતું.