સૌરાષ્ટ્રમાં બે મોટા ઉત્સવ છે. એક તરફ 1000 વર્ષ પૂર્વે બનેલી એક વિષમ
ઘટનાનું અલગ રીતે સ્મરણ છે. બીજી તરફ ભાવિ તરફ મીટ છે, નજર છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટની પ્રાંતીય આવૃત્તિ
રવિવારે શરૂ થઈ રહી છે, રાજકોટમાં અને સોમનાથમાં ભવ્ય સ્વાભિમાન
ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. બંનેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેવાના છે. બંને
ઉત્સવ આમ તો એમની સૂક્ષ્મદૃષ્ટિ અને દૂરંદેશીની નિપજ છે. બે મોટી ઘટનાનું સાક્ષી સૌરાષ્ટ્ર
બનવા જઈ રહ્યું છે. વાયબ્રન્ટ તો સૌરાષ્ટ્રથી સૌ-રાષ્ટ્રનો ઉત્સવ છે. બધાની નજર ત્યાં
થનારાં એમઓયુ ઉપર અને પછી તેનાં અમલીકરણ ઉપર છે.
ગુજરાતને વૈશ્વિક ઓળખ આપવાના આયામ-આયાસના ભાગરૂપે 2003થી અહીં વાયબ્રન્ટ ગુજરાત સમિટનું
આયોજન રાજ્ય સરકારે કર્યું. દેશના અને અન્ય દેશોના પ્રતિનિધિઓ આવ્યા. થોડું રોકાણ પણ
આવ્યું. ગુજરાત ક્યાં છે અને ક્યાં પહોંચવાનું છે તેનો ખ્યાલ પણ આવ્યો. આ વર્ષે વાયબ્રન્ટ
સમિટને પ્રાંતીય સ્વરૂપ આપી દેવાયું. જેનો બીજો તબક્કો તા. 11 જાન્યુઆરી ને રવિવારે રાજકોટમાં
શરૂ થશે, જેમાં કચ્છ ઝોનને પણ સાંકળી લેવામાં આવ્યો છે.
વીજીઆરસી તરીકે ઓળખાઇ રહેલી આ સમિટમાં 1500 જેટલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ-એમઓયુ થશે. 110 આંતરરાષ્ટ્રીય ખરીદદાર હિસ્સો
લેશે તેવું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. વાયબ્રન્ટ સમિટ આ રીતે થઈ રહી છે તેનો ફાયદો
એ છે કે, ગુજરાતના વિવિધ પ્રાંતમાં વિકાસની, ઉદ્યોગ-વેપારના વિસ્તારની જે શક્યતાઓ પડેલી છે તેનો પરિચય વિશ્વને થશે. ઉત્તર
ગુજરાતમાં આ સમિટ યોજાઈ ગઈ, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં હવે યોજાશે. અત્યાર સુધી વિદેશી વેપાર-ઉદ્યોગકારોનાં વિમાન ગાંધીનગર-અમદાવાદ
એરપોર્ટે અટકી જતાં હતાં. હવે આ બધાં જ કચ્છ-સૌરાષ્ટ્રમાં આવી રહ્યાં છે. ઉદ્યોગકારોને
પોતાનું કૌશલ્ય, ક્ષમતા બતાવવાનો અવસર વધારે સારી રીતે મળશે.
કુલ પાંચ દિવસ આ વાયબ્રન્ટ સમિટ ચાલવાની છે, જેનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ
કરશે. 2003માં આ પરંપરા શરૂ થઈ ત્યારે
તેનો મુખ્ય ધ્વનિ હતો, ગુજરાતને રોકાણનાં
અગત્યનાં મથક તરીકે પુન: સ્થાપિત કરવું. 2024માં ગેટ વે ટુ ધ ફ્યુચર-ભાવિનું દ્વાર થીમ સાથે યોજાયા બાદ હવે
આ વર્ષે આ રિજિયોનલ સમિટ આવી છે. એમઓયુ થશે, અહીં વિદેશી રોકાણકારો આવશે, તેઓ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ
અને વેપારક્ષેત્રથી પરિચિત થશે તે બધું સાચું પરંતુ લાંબા ગાળે પરિણામ. વાયબ્રન્ટની
સાથે જ સોમનાથ સ્વાભિમાન પર્વ યોજાઈ રહ્યું છે. સોમનાથ ઉપર થયેલાં આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આમ
તો આ ભૂલી જવા જેવી ઘટના છે, પરંતુ
ઉજવણી તો સોમનાથની સખાતે આવેલા વીરોને પુન: સ્મરણમાં લાવવા માટે થઈ રહી છે. સોમનાથ
ભારતની ધાર્મિક ધરોહર, આધ્યાત્મિક અસ્મિતા, સાંસ્કૃતિક ગરિમાનું પ્રતીક છે. ફક્ત આક્રમણ જ નહીં સોમનાથની સાથે અનેક કથા,
સત્યઘટનાઓ જોડાયેલી છે. આ બધાનાં સ્મરણ થકી પણ આખરે મહિમા તો ગુર્જર
દેશનો-ગુજરાતનો થશે. બંને અવસર સૌરાષ્ટ્રનાં આંગણે છે, તે પણ
અગત્યનું છે. બંને ઉત્સવથી ગુજરાતની પ્રજાને ફાયદો થાય. સ્વાભિમાન ખરેખર જાગે અને લાંબો
ગાળો તે ટકે તે પણ અગત્યનું છે. એક તરફ આ અતીતની ઘટનાનું પુન: સ્મરણ છે, બીજી તરફ ભાવિ તરફની ગતિ છે. સકારાત્મક રહેવાથી, આક્રમણોનો
સામનો કરીને અસ્મિતા સાચવવાથી જ આગળ વધી શકાય, કોઈની ગરિમા ખંડિત
કરીને નહીં, તે આ અવસરમાંથી શીખવાની બાબત છે.