• શનિવાર, 27 જુલાઈ, 2024

`રામબાણ'નો સામનો : કોંગ્રેસ સામે પડકાર

રાજકીય પ્રવાહો - કુન્દન વ્યાસ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદનાં બંને ગૃહોમાં કૉંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર આક્રમક પ્રહાર કર્યા પછી વિપક્ષોની છાવણીમાં ભવિષ્યની ચર્ચા-ચિંતા શરૂ થઈ છે. લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી વિ. રાહુલ ગાંધી જ હશે એ મુદ્દો સ્પષ્ટ છે પણ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ પછી દેશભરમાં રામ-નામનો જુવાળ જાગ્યો છે તેના પરિણામે મોદીના રામબાણનો સામનો કેવી રીતે કરવો - તે મુખ્ય પડકાર કૉંગ્રેસ સામે છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીએ `કાશી-મથુરા' હિન્દુઓને મળવા જોઈએ એમ કહ્યા પછી વિરોધ પક્ષો ભડકી ઊઠયા છે અને કૉંગ્રેસે દક્ષિણનાં રાજ્યોને આર્થિક અન્યાય થતો હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. દક્ષિણમાં તેલંગણા સિવાય કૉંગ્રેસની હાક વાગતી નથી - ઉત્તરમાં એકડો નીકળી ગયો છે ત્યારે કૉંગ્રેસ હવે ભારતની એકતા તોડવા માગે છે? સમગ્ર ભારતમાં રાજકીય પવન પલટાઈ ગયો છે - `ઇન્ડિયા' મોરચામાં જોડાયેલા પક્ષો છૂટા પડી રહ્યા છે. રાહુલ ગાંધી `ભારત યાત્રા'માં એકલા છે ત્યારે અન્ય નેતાઓ રાજકીય સંન્યાસની ચિંતામાં છે. આ સંજોગોમાં રાહુલ ગાંધીના સલાહકારોએ નવો મોરચો ખોલ્યો છે: દક્ષિણ ભારતનાં રાજ્યોને આર્થિક અન્યાય થાય છે એવો વિરોધ ઉઠાવવામાં કર્ણાટકની કૉંગ્રેસ સરકાર - મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને આગેવાની લીધી છે - કેરળ અને તામિલનાડુના મુખ્ય પ્રધાનો આ `યાત્રા'ના સંઘમાં જોડાયા છે! દક્ષિણમાં કૉંગ્રેસને સમર્થન મળે તો ઉત્તર અને પૂર્વ - પશ્ચિમમાં મોરચો અકબંધ રહેશે એવી ગણતરી છે. મોદીએ વળતો પ્રહાર કર્યો છે કે ઉત્તર - દક્ષિણનો વિવાદ જગાવીને `ભારત તોડવાનો' વ્યૂહ છે - અને કૉંગ્રેસે હંમેશાં ભારતની એકતા તોડવાનાં જ કામ કર્યાં છે. લોકસભામાં રાષ્ટ્રપતિજીના અભિભાષણ બદલ આભાર માનતી ચર્ચાનો જવાબ આપતાં મોદીએ કૉંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા. આ પછી કર્ણાટકની કૉંગ્રેસ સરકારે `િદલ્હી ચલો' કહીને કર્ણાટક અને અન્ય રાજ્યોમાં અખબારોમાં જાહેર ખબર આપીને કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો. આ દિલ્હી ચલો - રાજ્યસભામાં મોદી ચર્ચાનો જવાબ આપે તે જ દિવસ સાથે જોડીને મોદીને પડકારવાનો વ્યૂહ હતો. પણ મોદી ભારત તોડવાના કૉંગ્રેસના વ્યૂહનો પર્દાફાશ કરશે એવી કલ્પના કૉંગ્રેસના નેતાઓને નહીં હોય. નોંધપાત્ર બાબત એ છે કે કર્ણાટકની કૉંગ્રેસી સરકારનું આયોજન હતું. કેરળના માર્ક્સવાદી મુખ્ય પ્રધાન એમના કાફલા સાથે જોડાયા પણ વિપક્ષમાં બેઠેલા કૉંગ્રેસી નેતાઓ જોડાયા નહીં. રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક ઉપર લોકસભામાં ચૂંટાયા હતા અને હજુ પણ આ બેઠકની આશા છે - ત્યારે ડાબેરીઓ સાથે 'દિલ્હી ચલો' યાત્રામાં જોડાવા તૈયાર નથી! તામિલનાડુની ડીએમકે સરકારમાં કૉંગ્રેસ ભાગીદાર છે અને મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન તો પહેલેથી જ ભાજપ વિરોધી છે. હવે કર્ણાટક કૉંગ્રેસે વિરોધ મોરચાની આગેવાની લીધી છે ત્યારે તામિલનાડુ જોડાય તે સ્વાભાવિક છે. તામિલનાડુ - અગાઉનું મદ્રાસ રાજ્ય 1967થી દ્રવિડ રાજ્ય બન્યું અને કૉંગ્રેસને રાજ્યવટો આપ્યો છે. તાજેતરમાં હિન્દી રાજ્યભાષા સામે જૂનો વિરોધ ફરીથી ભડકાવવાની કોશિશ કરી પણ સફળતા મળી નહીં. કારણ કે નવી પેઢીને હિન્દીનો વિરોધ નથી. ફિલ્મી યુવા - અભિનેતાઓ નેતા બન્યા છે અને ટેલીવૂડ દેશભરમાં છવાયું છે. `ભાષા'નો વિવાદ નિષ્ફળ ગયા પછી સનાતન ધર્મ ઉપર ટીકા પ્રહાર શરૂ થયા તે પણ નિષ્ફળ ગયા - ડીએમકેના નેતાઓ ભૂલી જાય છે કે સનાતન મંદિરોનું સ્થાપત્ય દક્ષિણ - ભારતમાં તામિલનાડુ વિશ્વવિખ્યાત છે. રામ અને કૃષ્ણ ઉત્તર ભારતના હોવા છતાં દક્ષિણ અને સમગ્ર ભારતમાં પૂજાય છે. સ્વામી-સંત દક્ષિણમાં પૂજાય છે! રામબાણ સામે આખરે નાણાંત્ર અજમાવવા માગે છે! જેનો જવાબ મોદી અને સીતારામને પણ આપ્યો છે. ઇન્ડિ મોરચો બચાવવા માટે કૉંગ્રેસ હવે મરણિયો પ્રયાસ કરે છે. મોરચામાં એકવીસ નેતાઓએ ઊભા થઈને `હાથ' ઊંચા કર્યા અને વડા પ્રધાન કોણ બનશે એ પ્રશ્ન પછી વિચારાશે એમ કહીને સૌએ પોતાની મનોકામના છુપાવવાના પ્રયાસ કર્યા. કૉંગ્રેસને તો ખાતરી હતી - છે - કે રાહુલ ગાંધી એકમાત્ર યોગ્ય પાત્ર - દાવેદાર છે! અન્ય નેતાઓએ `વ્યૂહાત્મક મૌનવ્રત' લીધું. આ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં કૉંગ્રેસે સત્તા ગુમાવી અને પછી હારમાળા શરૂ થઈ. બિહારમાં નીતિશ કુમારે `હાથ' છોડયો. કેજરીવાલ અને મમતા દીદીએ તો હાથ છોડીને નાક પણ કાપ્યું - રાહુલ ગાંધીની લોકપ્રિયતા હોય તો વારાણસીની બેઠક જીતી બતાવે - બંગાળમાં અમારી જરૂર નથી તો લોકસભામાં કૉંગ્રેસ પોતાની ચાળીસ બેઠકો પણ પાછી મેળવી શકશે? અખિલેશ યાદવે યાત્રામાં જોડાવાનું આમંત્રણ માગીને મેળવ્યું - હવે કૉંગ્રેસને માગે તેટલી બેઠકો ફાળવાશે ખરી? મહારાષ્ટ્રમાં શરદ પવારના નામે અને જોરે જીતવાની આશા હતી હવે બાજી પલટાઈ રહી છે! આ સંજોગોમાં મોદીએ વિપક્ષી મોરચાનું નામ લીધા વિના માત્ર કૉંગ્રેસ અને રાહુલ ગાંધીને નિશાન બનાવીને પ્રહારનાં પુષ્પ વરસાવ્યાં છે! નોંધપાત્ર છે કે મોદીએ `ઘમંડિયા' મોરચાના એક પણ પક્ષની ટીકા કરી નથી. માત્ર એમને ખાતરી કરાવી છે કે કૉંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર મદાર રાખવાની જરૂર નથી. ભારત હવે `કૉંગ્રેસ મુક્ત' બની રહ્યું છે. એકમાત્ર ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી કૉંગ્રેસ સાથે ભાગીદારી કરવા માગે છે - પણ પોતાની શરતે! જ્યારે ભાજપે - એનડીએમાં અન્ય પ્રાદેશિક પક્ષોને સાથે લીધા છે. પંજાબમાં અકાલી દળ અને આંધ્રમાં ચન્દ્રાબાબુ નાયડુને એનડીએમાં સાથે લેવાની તૈયારી થઈ છે. મોદીએ કૉંગ્રેસનો ભૂતકાળ અને ભવિષ્ય બતાવીને જણાવ્યું છે કે પછાત, અ.જા. - ગરીબ વર્ગને કદી લાભ થયો નથી. ડૉ. આંબેડકર હોત નહીં તો આ વર્ગને આરક્ષણનો લાભ કદી મળત નહીં. નેહરુએ મુખ્ય પ્રધાનોને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ આરક્ષણના વિરોધી છે! બાબાસાહેબને ભારત રત્નનો ખિતાબ પણ સત્તામાં ભાજપની ભાગીદારી હતી ત્યારે અપાયો હતો. અ.જા. અને આદિવાસી વર્ગ પણ વંચિત રહ્યો. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુ સામે કૉંગ્રેસે યશવન્ત સિન્હાને ઊભા કર્યા. સીતારામ કેસરી અત્યંત પછાત વર્ગના હતા - એમને ઊંચકીને ફૂટપાથ ઉપર ફેંકી દીધા... આવા સંખ્યાબંધ ઉદાહરણ આપીને મોદીએ પુરવાર કર્યું કે કૉંગ્રેસે લોકોના ઉદ્ધાર માટે કદી પ્રયાસ કર્યા જ નથી! કૉંગ્રેસ પાસે નેતા અને જાતિ જ નથી. જુનવાણી-જમીન-જાગીરદાર વિચારસરણી છે અને હવે વિચાર પણ `બહાર'થી લેવા પડે છે! મોદીએ નોંધપાત્ર સ્પષ્ટતા કરી કે અમને પરિવારવાદનો પણ વિરોધ નથી. લોકશાહીમાં યુવા વર્ગ આગળ આવે એ જરૂરી છે પણ એક જ પરિવારનો ઇજારો રહે તે યોગ્ય નથી. અકાલી દળ, શિંદે સેનામાં પરિવાર છે પણ માત્ર પરિવારની હાક વાગતી નથી. મોદીએ મમતાદીદીના પરિવાર- ભાઈ - ભતીજાવાદનો ઉલ્લેખ કર્યો નથી. કારણ કે બંગાળમાં હવે રાહુલ ગાંધી સાથે સમજૂતી શક્ય નથી. મહારાષ્ટ્રમાં ડામાડોળ છે અને કૉંગ્રેસ રાહુલ ગાંધીનું હવે ભવિષ્ય નથી - એવું સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે તેથી `ઇન્ડિયા' મોરચો પડી ભાંગ્યો છે ત્યારે દક્ષિણનાં રાજ્યોનો આશ્રય લીધો છે. એકમાત્ર કર્ણાટકમાં કૉંગ્રેસ સરકાર છે - પણ લોકસભાની ચૂંટણીમાં બાજી પલટાઈ જવાનો ભૂતકાળ છે અને તેના પુનરાવર્તનની ખાતરી મોદીને છે. કેરળ અને તામિલનાડુમાં નજીવી હાજરી છે અને સત્તાની ભાગીદારી `િભક્ષા'માં મળી છે ત્યારે કૉંગ્રેસ લોકસભામાં કેટલી બેઠકોની આશા રાખી શકે? મોદીએ ચિત્ર સ્પષ્ટ કર્યું છે : રાષ્ટ્રવ્યાપી પક્ષ એકમાત્ર ભાજપ હશે. દક્ષિણમાં કર્ણાટક ઉપરાંત આંધ્ર અને તામિલનાડુ - કેરળમાં પણ હાજરી નોંધાવશે. દક્ષિણ ભારતમાં રાજકારણે ધર્મનું અવમૂલ્યન કર્યું છે પણ હવે જનજાગૃતિ ગજબની છે. અયોધ્યાના યાત્રિકોમાં દક્ષિણ ભારતીયની સંખ્યા આ જાગૃતિનો પુરાવો છે. ડાબેરી - માર્ક્સવાદીઓ અને સનાતન ધર્મના વિરોધી - કહેવાતા સેક્યુલરવાદીઓ જનજાગૃતિથી ભડકી ગયા છે. કૉંગ્રેસ ઉદારમતવાદી મુસ્લિમોને ઉશ્કેરવા માટે તત્પર છે. આમ છતાં હવે કેટલાક મુસ્લિમ નેતાઓ જાહેરમાં કહે છે કે સમાધાન - ભાઇચારો અનિવાર્ય છે પણ રાજકીય નેતાઓ રાષ્ટ્રીય જીવન અને એકતાની ભાવનાને રાજકીય શતરંજ માને છે. તમામ ઉપાય નિષ્ફળ ગયા પછી હવે ઉત્તર - દક્ષિણ ભેદભાવ માટે નાણાંત્ર - કેન્દ્ર અમારા નાણાં ઉત્તર પ્રદેશ - બિહારને આપે છે - એવી કાગારોળ શરૂ થઈ છે. ચૂંટણીમાં વોટ લેવા સરકારી ખજાનો લૂંટાવ્યા પછી હવે મોદી સરકારને દોષ આપે છે; આ રાજકારણનું અર્થકારણ છે!

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang