કાઠડા (તા. માંડવી), તા. 21 : ધાર્મિકતા
ભરેલાં નાનકડાં કાઠડા ગામે 75થી વધુ મંદિર
આવેલાં છે, આ ગામના લોકો ગ્રામ્ય વિસ્તાર
(ગામતળ)થી વધારે લોકો રહેવા માટે વાડી વિસ્તારની પસંદગી કરી છે, દર મહિનાની સુદ-બીજના ગામ લોકો કુળદેવી માતાજી સાથે અન્ય મંદિરોનાં દર્શને
જતા હોઈ આવન-જાવનથી દર સુદ બીજના નવા વર્ષ જેવા માહોલ જોવા મળે છે અને અહીંના લોકો
ધાર્મિક આસ્થા સાથે ખૂબ નાતો ધરાવે છે. જેથી છેલ્લા બે વર્ષ દરમિયાન કરોડોના ખર્ચે
સાંચાયમા, શક્તિમા, ખોડિયારમા, બુટ ભવાની મા, મોગલ મા, મોમાય મા,
ગોસ્વામી સમાજની કુળદેવી ગાત્રાળમાં તથા મહેશ્વરી સમાજના મતિયાદેવ સહિતના
વિશાળ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવી અને મહિમા વધાર્યો છે. જ્યારે હાલમાં જ ગામના મુખ્ય
ચોકમાં આવેલા આદ્યશક્તિ આવડ (આશાપુરા) માતાજીના
મંદિરનું લાખોના ખર્ચે નૂતન મંદિરનું નિર્માણ કરી અને તેનો પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
આગામી તા. 28,29, 30/11ના યોજાશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેની ઉજવણી માટે
15થી વધુ સમિતિ બનાવાઈ છે અને આ કાર્યક્રમ
સાથે ગામમાં આવેલ સનાતન સમાજના તમામ મંદિરોને શણગારવામાં આવશે. આવડમા મંદિર સ્થાપના
અને કાઠડા ગામને ધાર્મિકતા તરફ લઈ જનારા ચારણ સંત વજાભગત (વરજાંગ)નું મહત્ત્વનું યોગદાન
રહ્યું છે.