બેલેમ, તા. 21 : બ્રાઝીલના બેલેમ શહેરમાં ચાલી
રહેલી યુએન સીઓપી30 ક્લાઈમેટ
સમિટમાં એક મોટી દુર્ઘટના બની હતી. સંમેલનના મુખ્ય સ્થળ ઉપર અચાનક આગ ફાટી નિકળતા અફરાતફરી
મચી હતી અને 21 લોકોને ઈજા પહોંચી છે. તેમજ
હજારો પ્રતિનિધિઓ, અધિકારીઓ અને
મીડિયા કર્મચારીઓને તાકીદે બહાર લાવવામાં આવ્યા હતા. આ સ્થળે ભારતના પર્યાવરણ મંત્રી
ભૂપેન્દ્ર યાદવ પણ પ્રતિનિધિમંડળ સાથે હાજર હતા. આગના બનાવના કારણે સંમેલન છ કલાક સુધી
બંધ રાખવું પડયું હતું. યુએન સીઓપી30 શિખર પરિષદ 190થી વધારે દેશના પ્રતિનિધિઓની
હાજરીમાં થઈ રહી છે. અહેવાલ અનુસાર સંમેલનના બ્લુ ઝોનમાં અચાનક આગ લાગી હતી. આ ભાગ
સીઓપી સંમેલનનો સૌથી મહત્ત્વપૂર્ણ અને ભારે સુરક્ષા ધરાવતો હિસ્સો હોય છે. બ્લુ ઝોનમાં
જ ઈન્ટરનેશનલ મિટિંગ અને નેગોશિએશન રૂમ, દેશ પેવેલિયન, મીડિયા સેન્ટર, વૈશ્વિક
નેતાઓની ઓફિસ, મુખ્ય પ્લેનરી હોલ હોય છે. બ્રાઝિલના સ્વાસ્થય
મંત્રાલય અનુસાર આગની ઘટના બાદ કુલ 21 લોકોને આરોગ્ય સહાય આપવામાં આવી હતી. જેમાં 19ને ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ
થઈ રહી હતી. જ્યારે બેને ચિંતાના કારણે સારવાર આપવામાં આવી હતી. બનાવમાં કોઈપણ વ્યક્તિ
દાઝી નથી. આગ લાગતા સમયે યુનો મહાસચિવ એન્ટોનિયો
ગુટેરેસ પણ વેન્યુમાં હાજર હતા. તેઓને તાકીદે સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
ભારતના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભારતીય પ્રતિનિધિમંડળ પણ સ્થળ ઉપર હતા અને
તમામ સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા. પ્રારંભિક રિપોર્ટ અનુસાર સંરચનામાં લાગેલા ડેકોરેટિવ
ટેક્સટાઈલના કારણે આગ ઝડપથી વધી હતી. સુરક્ષા કર્મચારીઓએ પહેલા આગ ઓલવવાની કોશિશ કરી
હતી, બાદમાં ફાયરફાઈટરોએ આગ ઉપર છ મિનિટમાં કાબૂ
મેળવી લીધો હતો.