ભુજ, તા. 12 : ભુજ તાલુકાના ડગાળામાં ખાનગી
પ્લાન્ટની બાજુમાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી 36 વર્ષીય યુવાન સુમેરા ભચુ નિનામાનું મૃત્યુ નીપજ્યું હતું. અબડાસા
તાલુકાના રવા ગામે રહેતા માનસિક રીતે અસ્વસ્થ એવા 57 વર્ષીય પ્રૌઢ અજિતસિંહ મામુભા જાડેજાએ દવા પી લેતાં તેમનું મોત
થયું હતું. ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં ડગાળામાં સેવન માઈક્રોપ્લાન્ટની બાજુમાં
પાણીના ટાંકામાં સુમેરા નિનામા પડી જતાં તે પાણીમાં ગરક થઈ ગયા હતા. પાણીમાંથી બહાર
કાઢી તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતાં ફરજ પરના તબીબે મૃત
ઘોષિત કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરાઈ હતી. અબડાસાના રવા ગામે રહેતા
અજિતસિંહ જાડેજા માનસિક રીતે અસ્વસ્થ હતા. ગઈકાલે બપોરે રવાના વાડીવિસ્તારમાં તેમણે
કોઈ અગમ્ય કારણે દવા પી લેતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં
ખસેડાયા હતા. જ્યાં સાંજે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હોસ્પિટલની
પોલીસ ચોકીમાં વિગતો લખાવાઈ હતી.