• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ભુજ આશાપુરા મંદિર પરિસર નોબતના નાદથી ગુંજી ઊઠયું

ભુજ, તા. 12 : શહેરનું આશાપુરા માતજી મંદિર ચાલુ સાલે નવરાત્રિ દરમ્યાન એક અનોખા અનુષ્ઠાન સાથે જોડાઈને ઈતિહાસનું સાક્ષી બનવા જઈ રહ્યું છે તેવા પ્રસંગમાં જાણીતા સંગીત સાધક શૈલેશ જાની દ્વારા મંદિરમાં માતાજી સન્મુખ એક આસને સતત 151 કલાક નોબત વગાડીને ગૌસેવાનાં કાર્યનો પ્રારંભ કરાયો છે. ચાલુ વર્ષે ઓછા વરસાદનાં કારણે ઘાસ-પાણીની તંગી સર્જાઈ છે, ત્યારે સંગીત-નોબતના વાદનથી ગૌદાન એકત્રિત કરવાની ભાવના સાથે શૈલેશભાઈની સંગીત કળાને માતાજીએ સાક્ષી બનાવી છે. કથાકાર કશ્યપ શાત્રીએ આશીર્વચન પાઠવ્યા હતા તથા દાદા મેકરણ અને આશાપુરા માતાજીના મહિમાનું પ્રારંભે જ વર્ણન કર્યું હતું. પ્રારંભે જ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવે પરિવાર દ્વારા લીલાચારા માટે રૂા. 15000નું  દાન અર્પણ થતાંની સાથે ગૌપ્રેમીઓએ દાનની સરવાણી વહેવડાવી હતી. મહારાણી પ્રીતિદેવી અને માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીએ ઉપસ્થિત રહી ગૌસેવામાં યોગદાન આપ્યું હતું. દેવલ મા જીવદયા સત્સંગ સમિતિ અને મોઢ બ્રાહ્મણ સમાજ ભુજના બેનર હેઠળ આ અભિયાનમાં માધાપર આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદજી જોડાયા હતા. દેવલ મા સમિતિના અરવિંદ ગોર અને મોઢ બ્રાહ્મણ સમાજના આશિષ ત્રવાડીના નેજા હેઠળ ગૌસેવાના કાર્યને આગળ વધારી રહ્યા છે. આ અવસરે સાગર ગોર (મિરજાપર)ના આચાર્યપદે સંગીતમય સવાલાખ હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડનો પાઠ અને દેવી ભાગવતના મૂળ 18000 શ્લોકોનું પઠન કરાઈ રહ્યું છે. દરરોજ નોબતવાદન પંડાલમાં કુમારિકાઓનું ભાવપૂજન કરાશે. મંદિરના આરતી ગ્રુપના સેવકો સહયોગ આપી રહ્યા છે. સંચાલન દેવલ મા સમિતિના વસંત અજાણી સંભાળી રહ્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd