નવી દિલ્હી, તા. 12 : મુખ્ય ચૂંટણી
કમિશનર જ્ઞાનેશ કુમારે મારો ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. તે કોઈ અપરાધી
નથી, પણ તેમની પાસેથી ગેરરીતિ કરાવાય છે. ખરેખર મુખ્ય
ચૂંટણી કમિશનરે રાજીનામું આપી દેવું જોઈએ તેમ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે દિલ્હીમાં
એક પત્રકાર પરિષદ દરમિયાન દાવો કરતાં કહ્યું હતું. એક મીડિયા હેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટ સુધીની કૂચનું નેતૃત્વ કરતા પહેલાં રાહુલે યોજેલી પત્રકાર પરિષદમાં
જ્ઞાનેશ કુમાર અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતાં વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે,
હા, મને તેમના તરફથી સંદેશા મળે છે. જ્ઞાનેશ કુમાર
આ પત્રકાર પરિષદ જોઈ રહ્યા છે. હું તેમને કહેવા માંગુ છું, તમે
કોઈ ગુનેગાર નથી; તમારી પાસે માત્ર આ કામ કરાવવામાં આવ્યું હતું.
સૌથી સરળ રસ્તો એ છે કે, જ્ઞાનેશ કુમારે રાજીનામું આપીને બાજુ
પર હટી જવું જોઈએ. વધુમાં કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, દિલ્હીને
જેલમાં ફેરવી દેવામાં આવ્યું છે. પોલીસકર્મીઓ પરેશાન છે. તેઓ પૂછી રહ્યા છે કે,
તેમને યુવાનો પર લાઠીચાર્જ કરવા માટે મજબૂર કેમ કરાય છે. તેઓ કહે છે
કે, તેમને યુવાનોને રોકવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે. આરએસએસના
ગૂંડાઓ મહિલાઓ પર હુમલો કરી રહ્યા છે. એક તરફ અમને પેલેટ ગનનો ઉપયોગ કરવાનું કહેવામાં
આવી રહ્યું છે. પોલીસે એક દિવસ અમને રોક્યા હતા, અમને જંતર-મંતર
પર રોક્યા હતા અને આજે પણ તેઓ અમને રોકશે. શું તમને લાગે છે કે, આ માત્ર એક દિવસની વાત છે ? અમને તો વર્ષોથી રોકવામાં
આવી રહ્યા છે, પણ હવે તે નજરે પડી રહી છે તેમ જણાવ્યું હતું.
હું દેશના દરેક યુવાનને કહી રહ્યો છું કે, આ તમારા ભવિષ્ય અને
તમારા સન્માનની લડાઈ છે. જો તમે રૂબરૂ આવી શકતા ન હો, તો આજે
સાંજે જ્યારે અમે સુપ્રીમ કોર્ટની બહાર હોઈએ ત્યારે તમારો ટેકો દર્શાવો. સ્પષ્ટ કરો
કે જે કંઈ થઈ રહ્યું છે અમે તેની વિરુદ્ધ છીએ તેમ વિપક્ષના નેતાએ વધુમાં ઉમેર્યું હતું.