• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

જંતરમંતર પર હવે પ્રદર્શન નહીં થઇ શકે

નવી દિલ્હી, તા. 12 : દેશની સરકાર સામે વિદ્યાર્થીઓનાં આંદોલનનું એપી સેન્ટર બનેલું જંતરમંતર હવેથી પ્રદર્શનનું સ્થળ નહીં રહે. કેન્દ્ર સરકારે 33 વર્ષ બાદ સોમવારે ઐતિહાસિક બદલાવ કરતાં લુટિયન્સ સ્થિત આ સ્થળને પ્રદર્શનનાં સ્થળોની યાદીમાંથી હટાવી દીધું છે. ગૃહ મંત્રાલયના નિર્દેશથી રચાયેલી સમિતિએ કરેલી ભલામણના આધારે ફેંસલો લેવાયા બાદ હવેથી દિલ્હીનાં જંતરમંતર પર પ્રદર્શન નહીં થઇ શકે. રાજધાનીમાં હવેથી કોઇપણ પ્રકારનાં ધરણાં, પ્રદર્શન માટે મધ્ય દિલ્હીનાં રામલીલા મેદાન, ઉત્તર દિલ્હીમાં બુરાડી ગ્રાઉન્ડ અને પૂર્વ દિલ્હીમાં સીબીડી ગ્રાઉન્ડ નવાં પ્રદર્શન સ્થળ બનાવાયાં છે. કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માંગ સાથે સોમવારે જંતરમંતર પર પ્રદર્શન કરવાની મંજૂરી માગી હતી, પરંતુ દિલ્હી પોલીસે ઇન્કાર કરી દીધો હતો. જંતરમંતરને પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવવા પાછળનું ચોક્કસ કારણ નથી બતાવયું, પરંતુ એવું મનાઇ રહ્યું છે કે, આ સ્થળ સંસદથી માત્ર દોઢ કિ.મી. દૂર છે, તે સૌથી મોટું કારણ છે. જૂન-જુલાઇમાં થયેલાં કોકરોચ જનતા  પાર્ટીનાં પ્રદર્શનો દરમ્યાન પ્રદર્શનકારીઓ સંસદની નજીક પહોંચી ગયા હતા. તેમને રોકવા માટે દરવાજા બંધ કરવા પડયા હતા. એ સિવાય મધ્ય દિલ્હીમાં લગાતાર થઇ રહેલાં પ્રદર્શનોનાં કારણે સર્જાતા ટ્રાફિક અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓનાં કારણે પણ જંતરમંતરને પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવાયું છે. વીવીઆઇપી વિસ્તારની નજીક સુરક્ષાનાં જોખમોને ટાળવાના હેતુ સાથે ત્રણ દાયકાથી વધુ સમય બાદ આ સ્થાયી બદલાવ કરાયો છે. આમ, રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો અને જનઆંદોલનોનું સાક્ષી રહેલું જંતરમંતર હવે ઇતિહાસનાં પાનાંઓમાં સમેટાઇ ગયું છે. ખાસ ઉલ્લેખનીય છે કે, હજુ ગત શુક્રવારે જ સુપ્રીમ કોર્ટે પણ જંતરમંતરના વિકલ્પ તરીકે પ્રદર્શનના હેતુ માટે એક એવી મોટી જગ્યાની તલાશ કરવાની વાત કરી હતી, જ્યાં પાણી, શૌચાલય અને તબીબી સુવિધા હોય. ગૃહમંત્રાલયના નિર્દેષથી લેવાયેલા આ ઐતિહાસિક ફેંસલા બાદ લુટિયન્સ દિલ્હી સંપૂર્ણપણે રાજકીય સભા અને પ્રદર્શનોથી મુક્ત બની જશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd