• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

એશિયાડમાં ભારતને વધુ આઠ ચંદ્રક

નવી દિલ્હી, તા.28 : એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી 8 નવા મેડલ ઉમેર્યા છે. ટ્રેક એન્ડ ફિલ્ડથી લઈને શાટિંગ સુધી, ભારતીય એથ્લેટ્સે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જેનાં કારણે ભારત હવે 4 ગોલ્ડ, 20 સિલ્વર અને 21 બ્રોન્ઝ સાથે 45 મેડલ જીત્યું છે અને મેડલ ટેલીમાં 12મા સ્થાને બિરાજમાન છે.

ઇજાનાં કારણે ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા આ વખતના એશિયન ગેમ્સમાં રમી રહ્યા નથી પરંતુ ભારતના યુવા ખેલાડીઓએ તેમની ગેરહાજરી વર્તાવા દીધી નહોતી. પુરુષોની જ્વેલિન થ્રો (ભાલાફેંક) ઇવેન્ટમાં હરિયાણાના 24 વર્ષીય યશવીર સિંહે 85.72 મીટરના તેના પર્સનલ બેસ્ટ થ્રો સાથે સિલ્વર મેડલ પોતાનાં નામે કર્યો છે જ્યારે રોહિત યાદવે 84.35 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીતીને પોડિયમ પર ભારતનો દબદબો જાળવી રાખ્યો હતો.

ટ્રેક પર ભારતીય મહિલા એથ્લેટ વિથ્યા રામરાજે એક નવો ઈતિહાસ રચ્યો છે. વિથ્યાએ મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં 54.75 સેકન્ડનો સમય નોંધીને માત્ર બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે દિગ્ગજ દોડવીર પી.ટી. ઉષાનો 42 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ ધ્વસ્ત કર્યો. પી.ટી. ઉષાએ 1984ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં 55.42 સેકન્ડનો રેકોર્ડ બનાવ્યો હતો.

સ્ટાર જમ્પર મુરલી શ્રીશંકરે પુરુષોની લોંગ જમ્પ ફાઇનલમાં 8.07 મીટરના શાનદાર કૂદકા સાથે સિલ્વર મેડલ પોતાનાં નામે કર્યો હતો જ્યારે ઉત્તર પ્રદેશના અતરોલી ગામના લોંગ-ડિસ્ટન્સ રનર ગુલવીર સિંહે 1500 મીટર રેસમાં 3 મિનિટ 36.72 સેકન્ડના પોતાના પર્સનલ બેસ્ટ સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. નોંધનીય છે કે, 25 સપ્ટેમ્બરે 10,000 મીટર દોડમાં પણ તેણે સિલ્વર મેડલ મેળવ્યો હતો.

મહિલાઓની 5000 મીટર દોડમાં પારુલ ચૌધરીએ 15 મિનિટ 14.61 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે અંતિમ લેપમાં જોરદાર સ્પીડિંગ કરીને કઝાકિસ્તાનની નોરા તાનુઈને પાછળ છોડી દીધી હતી. આ ઈવેન્ટનો ગોલ્ડ વિનફ્રેડ મુતિલે યાવીએ જીત્યો હતો.

શાટિંગ રેન્જ પર મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ઈશા સિંહે સિલ્વર મેડલ પર નિશાન સાધ્યું હતું. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 580 અંક સાથે ફાઇનલમાં પ્રવેશનાર ઈશા અને ચીનની જિયાઓ જિયારુઇક્સુઆન વચ્ચે આખરી રાઉન્ડમાં 38-38 પોઇન્ટથી ટાઈ થઈ હતી. ત્યારબાદ ગોલ્ડ મેડલનો નિર્ણય શૂટઆઉટથી લેવાયો હતો, જેમાં ચીની શૂટરે બાજી મારી હતી અને ઈશાને સિલ્વરથી સંતોષ માનવો પડયો હતો. ભારતની અન્ય સ્ટાર શૂટર મનુ ભાકર આ ઇવેન્ટના મેડલ રાઉન્ડ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી.

પિન્કી બલહારાએ એશિયન ગેમ્સની કુરાશ સ્પર્ધામાં મહિલાઓના 78 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિ સાથે જ પિન્કીએ 2018ની જકાર્તા એશિયન ગેમ્સમાં મેળવેલી પોતાની સફળતાનું ગૌરવપૂર્ણ પુનરાવર્તન કર્યું છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd