વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે કાર્ડિયોલોજિસ્ટ ડો. જયદત્ત ટેકાણી
અને ડો. મીત ઠક્કરે હૃદયરોગના વધતા જોખમ, લક્ષણો, આહાર અને ઇમર્જન્સી મેનેજમેન્ટ અંગે માર્ગદર્શન
પૂરું પાડયું છે. કચ્છમાં બદલાતી જીવનશૈલી અને હાર્ટએટેકના વધતા કિસ્સાઓ વચ્ચે આ રિપોર્ટ
દરેક નાગરિક માટે આંખ ઉઘાડનારો છે. જો હૃદયને લાંબો સમય ધબકતું રાખવું હોય,
તો ઘરેથી વ્યાયામ તથા સંતુલનવાળી જીવનશૈલી અપનાવવી જોઈએ. આજના આ દોડધામ
ભરેલા યુગમાં કચ્છમાં ઓબેસિટી સામાન્ય બની રહી છે અને ડ્રગ્સનું પ્રમાણ પણ ચિંતાજનક
રીતે વધ્યું છે. હાર્ટએટેકના મુખ્ય કારણોમાં ડાયેટ, લાઈફસ્ટાઈલ
અને વ્યસન મુખ્ય છે અને આ બાબતોમાં કચ્છીઓ અને દરેક નાગરિકે વિશેષ જાગૃતિ કેળવવી જ
પડશે.
ખોટા ભ્રમ પાળવા નહીં : એક દર્દી એસિડિટી વધતા ચેકઅપ માટે આવેલા
અને `સોડા પીશ એટલે બધું બરાબર થઈ જશે' એમ કહીને દુકાને પહોંચ્યા, જ્યાં ચક્કર આવતા હોસ્પિટલ લાવવા પડયા અને એન્જિયોપ્લાસ્ટી કરવી પડી. ગેસ કે
સામાન્ય એસિડીટીમાં ઓડકાર ખાવાથી કે દવા લેવાથી રાહત મળે છે, જ્યારે હાર્ટએટેકનો દુ:ખાવો છાતીની મધ્યમાં ભારેપણા, દબાણ અથવા ઝકડાઈ જવાના સ્વરૂપમાં હોય છે જે સમય સાથે વધતો જાય છે. આવા ભ્રમથી
દૂર રહેવું જોઈએ.
હાર્ટએટેકના લક્ષણો : હંમેશાં માત્ર ડાબી છાતીમાં દુ:ખાવા સાથે
જ નથી આવતો. તેના લક્ષણોમાં જડબાથી નાભિ સુધીમાં દુ:ખાવો, પીઠના ભાગમાં ખેંચાણ, મૂંઝવણ સાથે અચાનક ભારે પરસેવો વળવો જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આ લક્ષણો
દેખાય તો ક્યારેય તેને સામાન્ય ગણીને નજરઅંદાજ ન કરવા જોઈએ. એરોટીક વાલ્વની તકલીફ હોય,
હૃદય પહોળું થતું હોય, હૃદયની દીવાલ જાડી હોય તેમણે
ઈસીજી કરાવી લેવું જોઈએ.
સામાન્ય વ્યક્તિએ પણ હેવી વર્કઆઉટ પહેલાં ટેસ્ટ કરાવવા : આજકાલ
યુવાનોમાં જીમ કે હેવી વર્કઆઉટ દરમિયાન હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે, તેથી 40 વર્ષની વય પછી અથવા કોઈ પણ
નવી સઘન કસરત કે રાનિંગ શરૂ કરતાં પહેલાં લિપિડ પ્રોફાઇલ, ઇસીજી, બ્લડ પ્રેશર અને
શુગરના સામાન્ય ટેસ્ટ કરાવી લેવાય.
હાર્ટએટેક આવ્યા પછીનો પ્રથમ કલાક `ગોલ્ડન અવર' : ગોલ્ડન અવરમાં લેવાયેલા પગલાં જીવ બચાવી શકે
છે. પ્રથમ, દર્દીને તુરંત બેસાડો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી
હોય તો ટાઈ કે બટન ખોલીને હળવા કરો. તરત જ એમ્બ્યુલન્સ બોલાવવી, દર્દી અસક્ષમ હોય તો આસપાસના વ્યક્તિની મદદ લઇ શકે, પરંતુ
દર્દીએ ચાલવું કે જાતે વાહન ચલાવીને હોસ્પિટલ લઈ જવાનો આગ્રહ ન રાખવો.