• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

રાજ્યના સચિવો કરતાં ગાંધીધામ કોર્પોરેશનના ત્રણ કર્મીનો પગાર વધુ

ગાંધીધામ, તા. 28 :  રાજ્યના મુખ્ય સચિવ અને અન્ય સચિવ કરતા ગાંધીધામ મહાનગરપાલિકાએ એજન્સી મારફતે રાખેલા ત્રણ નિષ્ણાતોને પગાર વધુ ચૂકવવામાં આવી રહ્યો છે. આ નિષ્ણાતો એન્જિનીયરો શું કામગીરી કરી રહ્યા છે, તેનાથી અધિકારીઓ અને સત્તાધિશો પણ અજાણ છે. તિજોરી તળિયાઝાટક છે તે વચ્ચે દર મહિને 9,84,560 રૂપિયાનો વધારાનો બોજ તિજોરી ઉપર પડતાં મહાનગરપાલિકાના વહીવટી તંત્ર ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ તેમજ અન્ય સચિવોનો અંદાજિત 2.50 લાખ આસપાસનો પગાર છે અને તેમાં ભથ્થાં અને અન્ય સહિત લગભગ ત્રણ લાખ સુધીનો પગાર હોઈ શકે છે, તેવું જાણકારો કહી રહ્યા છે તે વચ્ચે ગાંધીધામ મહાનગરપાલિકાએ ડેલોઈટ ટચ તોહમાંત્સુ ઇન્ડિયા લિમિટેડ એજન્સી હેઠળ રાખેલા ત્રણ નિષ્ણાતોને દર મહિને જીએસટી વગર 9,84,560નું પગાર પેટે ચૂકવણું કરવામાં આવે છે, જેમાં ટીમ લીડર પ્રોજેક્ટ મેનેજમેન્ટ નિષ્ણાતને દર મહિને જીએસટી વગર 3,64,652 રૂપિયાનો પગાર ચૂકવાથી છે, જ્યારે એક ટીમ મેમ્બર નિષ્ણાતને મહિને 3,34,264 રૂપિયા અને સપોર્ટ ટીમ મેમ્બર અર્બન નિષ્ણાતને મહિને 2,85,644 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં જીએસટીનો પણ ઉમેરો થશે એટલે ખર્ચ વધશે. ગુજરાત સરકારના બહુ ઓછા અધિકારીઓને આટલો પગાર મળતો હશે. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરનો પગાર લગભગ બે લાખ રૂપિયા છે, તો નાયબ મ્યુનિસિપલ કમિશનરોનો બે લાખની આસપાસ પહોંચે છે. તિજોરી તળિયાઝાટક છે. આવશ્યક સેવાઓની નિભાવણી કરતા કોન્ટ્રાક્ટરોને દર મહિને સમયસર રૂપિયાનું ચૂકવણું થતું નથી. કર્મચારીઓનો પગાર નિયમિત થતો નથી અને તેવામાં દર મહિને આ એજન્સીનું પગારનું વધુ ભારણ નાખવામાં આવ્યું છે.  કોર્પોરેશન દ્વારા આ એજન્સીને પ્રોજેક્ટ મોનિટારિંગ યુનિટ એટલે કે.પી.એમ.યુ. તરીકે સલાહકારી સેવાઓ પૂરી પાડવા માટે રાખી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર બી.ડી. દવેરાનો સંપર્ક સાધતાં તેમણે વાતને સમર્થન આપીને પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે એજન્સીની નિમણૂક કરી છે અને તેની હેઠળ ત્રણ કર્મચારી કામ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

250 કર્મચારીને 4000નો પગાર વધારો આપી શકાય

મહાનગરપાલિકાના 250 કર્મચારીને 4000નો પગાર વધારો એક વર્ષ સુધી અપાય તેટલા રૂપિયા ચૂકવાય છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, કોર્પોરેશનમાં સવારથી સાંજ સુધી મહેનત કરતા મોટાભાગના કર્મચારીઓને માંડ-માંડ 15,000 સુધીનું મહેનતાણું મળે છે. આ બાબતે સમીક્ષા થાય તે જરૂરી છે.

અધિકારીઓના ઉજાસ વચ્ચે સત્તાધીશો અંધારામાં

મહાનગરપાલિકામાં કમિશનર તથા ડેપ્યુટી કમિશનર શું નિર્ણય લે છે. કઈ કામગીરી થઈ રહી છે તેનાથી સત્તાધીશો અજાણ છે. અધિકારીઓ સત્તાધિશોને દાદ દેતા નથી. 188 ચોરસ કિલોમીટરના મહાનગરપાલિકાના વિસ્તારમાંથી 2.37 લાખ મતદારના મતથી ચૂંટાઈને આવેલા જન પ્રતિનિધિઓ અર્થહીન બન્યા છે. માર્ગો નબળી ગુણવત્તાના બની રહ્યા છે. બગીચાના સાધનો તૂટી રહ્યા છે. આર. એન્ડ બી. સાથે સંકળાયેલા માનીતા કોન્ટ્રાક્ટરોને વહેલી તકે રૂપિયાનું ચૂકવણું થાય છે. આ બધી બાબતો અને આયોજન તથા કચેરીમાં શું થઈ રહ્યું છે, તેનાથી જનપ્રતિનિધિઓ અજાણ છે. રાજ્ય સરકાર પ્રકાશ પાડે તે જરૂરી છે. નહીંતર ગુજરાતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પૈકીની ગાંધીધામની હાલત સૌથી વધુ ખરાબ થવાની ભીતિ ઊભી થઈ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd