ગાંધીધામ, તા.28 : શહેરના
સપના નગરમાં પાણીની તથા ગટરની લાઈનો નાખવામાં તેમજ પીજીવીસીએલની અંડરગ્રાઉન્ડ કેબલ
નાખવાની કામગીરી દરમિયાન અને અન્ય કામો માટે વારંવાર રસ્તાઓ ખોદવામાં આવ્યા છે અને
વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જેના કારણે રસ્તાઓની
સ્થિતિ અત્યંત ખરાબ છે. તાકીદે માર્ગોની મરંમત કરવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને
પત્ર પાઠવવામાં આવ્યો છે. સપનાનગર રેસિડેન્ટ એસોસીએશને પાઠવેલા પત્રમાં જણાવ્યું
હતું ક લોકોના કરના નાણાંથી ઊભું કરવામાં આવેલું સમગ્ર નાગરિક માળખું કોર્પોરેશનની
જવાબદારી અને દેખરેખ હેઠળ આવે છે, જેથી જાહેર માળખાને બિનજરૂરી
નુકસાન ન થાય અને નુકસાન થયું હોય તો તેને પુન: સ્થાપન તથા મરંમત કરવા સહિતની જવાબદારી
કોર્પોરેશનની છે હાલના સમયે સપના નગરના અસંખ્ય માર્ગોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
100 થી
વધુ સ્થળે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં રસ્તાઓ તોડવામાં આવ્યા છે, જેના, કારણે લોકોને તેમજ વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો
કરવો પડી રહ્યો છે. સપનાનગર વિસ્તારમાં ઘણા રસ્તાઓ પેવરબ્લોકના બનાવવામાં આવ્યા છે.કામગીરી
માટે બ્લોક કાઢીને કામગીરી પૂર્ણ થયા પછી તે બ્લોક ફરીથી બેસાડીને માર્ગને વ્યવસ્થિત
કરી શકાય છે અને, એટલા માટે જ આંતરિક રસ્તાઓ પેવર બ્લોકના બનાવવામાં
આવ્યા હતા, પરંતુ, અલગ-અલગ કામગીરી માટે
પેવર બ્લોકને પણ ઉખેડી નાખવામાં આવ્યા છે, જે વાહનચાલકો અને લોકો
માટે જોખમી બન્યા છે. લગભગ રસ્તાઓને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા કામગીરી સમયે દેખરેખ રાખવામાં આવતી નથી, જેના કારણે વધારે નુકસાન પહોંચ્યું છે. તંત્ર તુરંત માર્ગોની મરંમત કરાવે અને
ભવિષ્યમાં જાહેર માળખાંના નુકસાન અટકાવવા માટેના પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં
આવી છે.