ભુજ, તા. 28 : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ
કુમારના રાજીનામાની માંગ સાથે સોમવારે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા સેવાસદન
ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા આયોજિત નુક્કડ કાર્યક્રમ
યોજી લોકજાગૃતિ બાદ રેલી યોજી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને લોકશાહી મૂલ્યો જાળવવાની
માંગ સાથે ચૂંટણી પંચની કામગીરી અને સંસ્થાકીય કબજાના આક્ષેપ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસે
વિરોધ નોંધાવી કચ્છ કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. ભારતના ચૂંટણી પંચમાં ચાલી રહેલી
ગંભીર અનિયમિતતાઓ, સંસ્થાકીય
કબજો અને લોકશાહી વિરોધી કામગીરીના આક્ષેપ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા
પ્રમુખ વી. કે. હુંબલની આગેવાની હેઠળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં
શ્રી હુંબલે જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી કમિશનરના
વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે ચૂંટણી કમિશનર ને એક સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કામ
કરવાનું હોય પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપની સરકાર દેશમાં આવી ત્યારથી ચૂંટણી પંચ ભાજપનો
એજન્ટ બની ને કામ કરી રહ્યા છે. આ વિરોધ કાર્યક્રમમાં સિનિયર આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, ભુજ શહેર તથા તાલુકા
કોંગ્રેસના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાંખ-સેલના હોદ્દેદારો તથા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં
હતા.