ભુજ, તા. 28 : ઉત્તરાખંડના ચારધામમાં બે દિવસ
સતત ભારે વરસાદ વરસતાં ભૂસ્ખલન થવાથી માર્ગો બંધ થઈ જવાના હેવાલોથી કચ્છથી ગયેલા યાત્રિકો
અંગે સંબંધિતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. કચ્છના ત્રણ ગ્રુપ કેદારનાથનાં દર્શને ગયાં
હતાં તેમને રસ્તો ખુલ્લો થતાં મંગળવારે નીચે લાવવાની તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાશે
તેવું ભુજના આશાપુરા યાત્રા સંઘના સંચાલક મયૂર ચૌહાણે જણાવતાં ઉમેર્યું કે, તમામ કચ્છી યાત્રી હેમખેમ છે. ચારધામ યાત્રામાં
સપ્ટેમ્બરમાં વરસાદનું વિધ્ન ન પડતું હોવાથી યાત્રિકોની સંખ્યા વધારે રહેતી હોય છે.
વરસાદી માહોલના કારણે આજે ત્રીજા દિવસ સુધી યાત્રા બંધ છે. કચ્છના 50-50 લોકોના ત્રણ ગ્રુપ કેદારનાથ
દર્શન કરવા પહોંચી ગયા છે. નીચે ગૌરીકુંડ પાસે એક પહાડ ઉપરથી લેન્ડ સ્લાઈડિંગ ચાલુ
થયું હતું. સતત પથ્થર પડવા લાગતા તેમાં ઈજાગ્રસ્ત પાંચ જણનાં મોત થયાં હોવાનું સત્તાવાર
જાણવા મળ્યું હોવાનું શ્રી ચૌહાણે જણાવ્યું હતું. બે દિવસથી અટવાયેલા લોકોને નીચે ઉતારાયા
બાદ આવતીકાલ મંગળવારે ચારેધામ ખૂલશે. ત્યાં પહોંચવા ઘોડા અને પાલખીથી યાત્રિકો જઈ શકશે.
રસ્તા બંધ થતાં હેલિકોપ્ટરવાળાએ 8 હજારની ટિકિટનો
ભાવ 40 હજાર કરી નાખ્યો છતાં લોકોને
ટિકિટ મળી નહીં. હેલિકોપ્ટર મળવાની આશાએ આવેલા લોકોને ખરાબ હવામાનના કારણે હેલિપેડ
બંધ થઈ જતાં નિરાશ થવું પડયું હતું. કાલથી ચાર દિવસ બાદ યાત્રા ફરી શરૂ થશે પણ 10 દિવસની યાત્રા હોઈ અને 11મા દિવસે હરિદ્વારથી પરત ફરવાની ટ્રેનની
ટિકિટ હોવાથી પણ યાત્રિકો દર્શન કર્યા વિના અધવચ્ચેથી ટ્રેનનું શિડયૂલ તૂટે નહીં તે
માટે પાછા વતન વાપસી કરી રહ્યા છે. મંગળવારે વાતાવરણ યાત્રાલાયક રહેશે તેવું હવામાન
ખાતાએ જાહેર કર્યું હોવાનું મયૂરભાઈએ સીતાપુર ખાતેથી જણાવ્યું હતું. તેમનું 32 જણનું ગ્રુપ મંગળવારે ઘોડા
અને પાલખીથી યાત્રા શરૂ કરશે તેવું ઉમેર્યું હતું.