• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

મોટા યક્ષના મેળામાં ઊમટતા માણીગરો

વિથોણ (તા. નખત્રાણા), તા. 28 : મિની તરણેતર ગણાતા કચ્છના સૌથી મોટા મેળા યક્ષ બૌંતેરા કક્કડભિટ્ટ ખાતે સોમવારે બીજા દિવસની સંધ્યાએ માણીગરો ઊમટી પડતાં મેળાની રંગત જામી હતી. બે દિવસમાં કોઈ અપ્રિય ઘટના ન ઘટતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. પંથકમાં ઓછા વરસાદની અસર દેખાશે તેવું આયોજકોનું અનુમાન ખોટું પડયું છે. રવિવારે રાત્રે હૈયેહૈયું દળાય તેવી ભીડ જોવા મળી હતી. સ્ટોલધારકોએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે સારો વેપાર થયો હતો. પાટીદાર વસ્તી ધરાવતા આ વિસ્તારના ગામોના લોકોના આગમન થકી સાંયરા, વિથોણ, વેસલપર. આણંદપર અને આણંદસર- મંજલના આઈક્રીમ તેમજ ખાણીપીણીના સ્ટોલ હાઉસફુલ થઈ ગયા હતા. મેળા સમિતિના અધ્યક્ષ અને સાંયરા જૂથ પંચાયતના સરપંચ જયંતીભાઈ નાકરાણી, ઉપાધ્યક્ષ જે. એચ. જાડેજા, તલાટી રઘુવીરસિંહ ઝાલા, મહિપતસિંહ જાડેજા, જખરાજજી ભોવા, પરબતભાઈ રામજીભાઈ, નવીનભાઈ (પૂજારી), બાબુભાઈ ભોવા, હીરાલાલ ભોવા, સામતભાઈ મહેશ્વરી, જગદીશ પટેલ, વેરશી રબારી, યોગેશ ગરવા, હરેશ મહેશ્વરી તેમજ સમસ્ત ભોવા પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે. મેળાની મુલાકાત માટે કચ્છ યુનિ.ના વાઈસ ચાન્સેલર મોહનભાઈ છાભૈયા અને જાણીતા તબીબ રામજીભાઈ કેસરાણીએ લોકોને સ્વાસ્થ બાબતે કાળજી રાખવા જણાવ્યું હતું. સહેલાણીઓ દિવસના બદલે રાત્રે મોટા પ્રમાણમાં આવે છે અને રાત્રે સાવધાનીથી વાહન ચલાવવા નખત્રાણાના પી.આઈ. અલ્પેશ પટેલે લોકોને અનુરોધ કર્યો હતો. મેળાના બે દિવસ દરમ્યાન કડક પોલીસ બંદોબસ્તને કારણે ખિસ્સાકાતરુ, ચીલઝડપની કે મોબાઈલ ચોરીની કોઈ અપ્રિય ઘટના પોલીસ ચોપડે નોંધાઈ નથી. મેળા સમિતિના સભ્યો મેળા ઉપર ચાંપતી નજર રાખે છે. સફાઈ બાબતે લોકોને સતત અવગત કરાવતા રહે છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd