• સોમવાર, 27 જુલાઈ, 2026

કોમનવેલ્થમાં મીરાબાઈ-ઋષિકાંતને શાનદાર સફળતા

ગ્લાસગો, તા. 26 : ભારતની સ્ટાર વેઇટ લિફટર મીરાબાઇ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક હેટ્રિક રચીને ઈતિહાસ સર્જ્યો છે. મીરાબાઇએ આજે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પહેલો સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. તેણે 48 કિલો વજન ગ્રુપમાં પહેલા સ્થાને રહી સુવર્ણચંદ્રક કબજે કર્યો હતો. આ ઉપરાંત પુરુષ વર્ગની 60 કિલો જૂથની સ્પર્ધામાં ભારતના ઋષિકાંત સિંહે પણ શાનદાર દેખાવ કરી રજતચંદ્રક જીત્યો હતો. ચંદ્રક વિતરણ સમારંભમાં જ્યારે ભારતનું રાષ્ટ્રગાન ગુંજ્યું ત્યારે મીરાબાઇ તેના આંસુ રોકી શકી ન હતી. દરમ્યાન, રૂપારાણી તિરકે અને પિંકી સિંહ લોનબોલ્સમાં પરાજિત થયા હતા. મીરાબાઇ ચાનુએ 48 કિલો વજન જૂથની સ્પર્ધામાં સ્નેચમાં રેકોર્ડ તોડીને 8પ કિલો વજન ઉઠાવ્યું હતું. આ પછી ક્લીન એન્ડ જર્કમાં 10પ કિલો વજન ઊંચકી કુલ 190 કિલો વજન સાથે ગોલ્ડ મેડલની હક્કદાર બની હતી. મીરાબાઇ ચાનુએ અગાઉ 2018 અને 2022ના કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. હવે ગ્લાસગોમાં ફરી એકવાર ગોલ્ડ મેડલ કબજે કરી હેટ્રિક રચી છે. જ્યારે ભારતના 28 વર્ષીય વેઇટ લિફટર ચનંબમ ઋષિકાંત સિંહે પુરુષોની 60 કિલોની સ્પર્ધામાં શાનદાર દેખાવ કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. ઋષિકાંત સિંહે શરૂઆત જોરદાર રીતે કરી હતી અને સ્નેચ રાઉન્ડમાં ત્રીજા પ્રયાસમાં 121 કિલો વજન ઊંચકીને નવો કોમનવેલ્થ રેકોર્ડ બનાવ્યો હતો. સ્નેચ રાઉન્ડની સમાપ્તિ પર તે મલેશિયાના ખેલાડી બિન કાસદાન મોહમ્મદ અનિક સાથે બરાબરી પર રહી ટોચ પર હતો. ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં ઋષિકાંતે પહેલા પ્રયાસમાં 143 કિલો વજન ઉઠાવ્યું હતું. બીજા પ્રયાસમાં તે 148 કિલો વજન ઉપાડી શક્યો ન હતો, જ્યારે ત્રીજા પ્રયાસમાં 11 કિલો વજન ઊંચકવાના પ્રયાસમાં નિષ્ફળ રહ્યો હતો. આથી કુલ 264 કિલો (સ્નેચ 121 અને ક્લીન એન્ડ જર્ક 143 કિલો) સાથે રજતચંદ્રકનો હક્કદાર બન્યો હતો. ઘૂંટણમાં ઈજા છતાં ઋષિકાંતનો જુસ્સો જળવાઈ રહ્યો હતો. મલેશિયાના અનિકે 273 કિલો વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઋષિકાંત સિંહ મણિપુરનો વતની છે. દરમ્યાન લોનબોલ્સમાં મહિલા પેર વિભાગની સ્પર્ધામાં સતત ત્રણ જીત બાદ રૂપારાણી તિરકે અને પિંકી સિંહનો નામીબિયાના પ્રતિસ્પર્ધીઓ સામે પરાજય થયો હતો. ભારતની પુરુષ 4 બાય 200 મીટર ફ્રી સ્ટાઈલ રીલે ટીમે હીટરેસમાં ત્રીજું સ્થાન મેળવી ફાઈનલમાં પ્રવેશ કરતાં મેડલ જીતવાની આશા જીવંત રહી હતી. દક્ષન શશિકુમાર, અનીશ સુનીલકુમાર ગૌડા, આર્યન નહેરા અને શ્રીહિર નટરાજની ચાર સભ્યની ટીમે 7:39:48નો સમય નોંધાવી હીટ-ટુમાં સ્વિમિંગની શક્તિશાળી ગણાતી ટીમો ઓસ્ટ્રેલિયા (7:08:66) અને ઈંગ્લેન્ડ (7:18:13) બાદ ત્રીજું સ્થાન મેળવ્યું હતું. બીજી તરફ ભારતની પ્રોતિષ્ઠા સાશા સમંતાએ ક્વોલિફિકેશન સ્પર્ધામાં પાંચમું સ્થાન મેળવી મહિલા વોલ્ટની ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. પશ્ચિમ બંગાળની 22 વર્ષીય ખેલાડીએ પોતાના બે વોલ્ટમાં 13.025નો સ્કોર કર્યો હતો. અન્ય ભારતીય ખેલાડી-પ્રણતિ નાયક 12.555ના સ્કોર સાથે 11મા ક્રમે રહી ત્રીજી રિઝર્વ ખેલાડી તરીકે સહેજમાં ચૂકી હતી. 

Panchang

dd