રાપર, તા. 26 : એક દિવસના વિરામ બાદ આજે રાપર
સહિત તાલુકાના પ્રાંથળ વિસ્તારમાં તોફાની વરસાદ વરસ્યો હતો. રાપરમાં સવારે વરાપ નીકળ્યા
બાદ બપોરે સાડા ત્રણ વાગ્યે વાતાવરણ પલટાયું હતું અને વરસાદી ઝાપટાં પડયાં હતાં જે
સાંજ સુધી ઝરમર રૂપે ચાલુ રહ્યાં હતાં. પ્રાંથળના નાગપુર, લોદ્રાણી, શીરાવાંઢ,
રાસાજીગઢડા, જાટાવાડા, મૌવાણા,
બેલા, આણંદપર, વ્રજવાણી,
દેશલપર સહિતનાં ગામોમાં એકથી બે ઇંચ જેવો વરસ્યો હોવાનું નાગપુર-લોદ્રાણીથી
દિલીપભાઈ ધેડાએ જણાવ્યું હતું, તો બાલાસરમાં પણ દોઢેક કલાક વરસ્યો
હોવાનું જયેન્દ્રાસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
આ વરસાદથી નદીઓ જીવંત બની હતી, તો જળાશયોમાં નવાં નીર આવ્યાં
હોવાનું જણાવાયું હતું. પ્રાંથળમાં માગ્યા મેહ વરસવાથી ખેડૂતો અને માલધારીઓ ખુશખુશાલ
થઈ ગયા હતા. વરણુ, પલાંસવા, ભીમાસર,
ફતેહગઢ, આડેસરમાં તોફાની વરસાદ વરસતાં વાતાવરણમાં
ઠંડક પ્રસરી હતી. આ લખાય છે ત્યારે પણ વાગડ વિસ્તારના ગામોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો
છે. જો કે, જિલ્લાના અન્ય વિસ્તારોમાં આજે વરસાદનો વિરામ જોવા
મળ્યો હતો. એ વચ્ચે વાગડમાં રાત્રિના ભાગે વિરામ બાદ તોફાની વરસાદનો રાઉન્ડ શરૂ થયો
હતો.