• સોમવાર, 27 જુલાઈ, 2026

ભુજમાં ગટરલાઈન પાથરવાનું `અમૃત-ર' યોજનાનું કામ લોકો માટે `ઝેર' સમાન

ભુજ, તા. 26 : શહેરમાં અમૃત-બે યોજના હેઠળ થતી ગટરલાઈનની કામગીરીમાં લોટ-પાણી ને લાકડાં જેવો તાલ થતો હોવાની જાગૃત નાગરિકોમાં ફરિયાદ ઊઠી હતી. તાજેતરમાં જ પડેલા વરસાદે આ કામની પોલ ખોલી નાખી હોય તેમ અનેક સ્થળે લાઈનો નખાયા બાદ પૂરાણ યોગ્ય રીતે ન થતાં વાહનો ફસાયાંની ફરિયાદો ઊઠી હતી. શહેરીજનો કહી રહ્યા છે કે, અમૃતનું કામ લોકો માટે ઝેર સમાન બની રહ્યું છે. ભુજમાં અધધધ કહી શકાય તેમ 50 કરોડના ખર્ચે ચાલતી અમૃત યોજના-બેમાં નવી રિલોકેશન સાઈટોમાં મુખ્ય-આંતરિક ગટરલાઈનો નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી નબળી કરાતી હોવાની લોકફરિયાદો ઊઠી છે. જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર લાઈનો નખાયા બાદ તેનું પૂરાણ નિયમો નેવે મૂકી કરાઈ રહ્યું છે. યોગ્ય રીતે પૂરાણ અને લેવલ ન કરાતાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જાગૃતોના જણાવ્યા અનુસાર ભુજમાં તાજેતરમાં પડેલા સામાન્ય વરસાદે આ કામગીરીની પોલ ખોલી નાખી હતી, જેમાં મુંદરા રોડ પર આવેલા જલારામ નગરમાં ટ્રેક્ટર સહિતનાં વાહનો આ લાઈન પરથી પસાર થતાં લાઈનો બેસી જતાં વાહનો ફસાયાં હતાં, જેને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ અંગે ભુજ સુધરાઈના શાસક પક્ષના નેતા ધર્મેશ ગેરે જણાવ્યું કે, લાઈનો નખાયા બાદ પૂરાણ યોગ્ય રીતે ન કરાતાં વાહનો ફસાયાં હતાં. આ બાબતે તાત્કાલિક ખાડાઓમાં કાંકરી નખાવી પૂરાણ કરાવ્યું હોવાનું ઉમેર્યું હતું. અત્રે, ઉલ્લેખનીય છે કે, મસમોટા પેકેજોમાં થતી કામગીરી પર જવાબદાર તંત્રે સતત નજર રાખવી જોઈએ. તેમજ જરૂર પડે તો નબળી કામગીરી કરનારા સામે કડક પગલાં ભરવાં જોઈએ, જેથી લોકોની સુવિધા માટે આવતી ગ્રાન્ટનાં નાણાંનો બગાડ ન થાય તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. 

Panchang

dd