ગાંધીધામ, તા. 26 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો
પીવાના પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યાં હતાં અને હાલના સમયે પણ સમસ્યા છે.
વરસામેડીથી પાણી રામબાગ આવે અને અહીં વીજ પુરવઠો ન હોવાથી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહીં
તે માટે લાખો રૂપિયાના ખર્ચે વસાવેલાં બે જનરેટર શોભાના ગાંઠિયા સમાન બન્યાં છે. વહીવટી
તંત્રએ જનરેટરથી મોટર ચલાવવા સહિતનું પરીક્ષણ પણ કર્યું નથી, જેના પગલે સવાલો ઊઠી રહ્યા છે. રામબાગ ટાંકા
ઉપર વીજ સમસ્યાના કારણે ઘણીવાર પાણી વિતરણ વ્યવસ્થા ઠપ થઈ જાય છે. તત્કાલીન કમિશનર
મનીષ ગુરુવાણી હતા તે સમયે આવા સવાલો ઊઠી રહ્યા હતા, જેના પગલે
રામબાગ ટાંકા ઉપર બે મોટા જનરેટર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારપછી મહાનગરપાલિકા
દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બે જનરેટર ખરીદવામાં આવ્યાં છે. તેને રાખવા માટેની આખી
વ્યવસ્થા પણ ઊભી કરી વાયરિંગ સહિતની કામગીરી પણ પૂર્ણ કરી લીધી છે, પરંતુ હજુ સુધી આ જનરેટરોનું પરીક્ષણ થયું નથી. લગભગ બે મહિના જેટલો સમય વીતી ગયો છે છતાં એક પણ
વખત જનરેટર ઉપર મોટર ચાલુ કરીને પાણી બરોબર આવે છે કે નહીં તે સહિતનું પરીક્ષણ થયું
નથી. આપાતકાળમાં જરૂરિયાત સમયે જનરેટર ચાલુ કરવામાં આવે અને કોઈ સમસ્યા આવી,
તો તેના નિરાકરણમાં સમય લાગી શકે છે અને ત્યાં સુધી પાણી વિતરણ વ્યવસ્થા
પણ બાધિત રહી શકે છે. તેવામાં આ જનરેટરોને શોભાના ગાંઠિયા સમાન બનાવવા કરતાં એક વખત
તેનું પરીક્ષણ કરવું જરૂરી છે તેવું જાણકારો કહી રહ્યા છે. ગાંધીધામ સંકુલમાં ગંભીર વીજ સમસ્યા છે. વરસામેડીથી
પાણી રામબાગના ટાંકા ઉપર આવે અને તેવા સમયે લાંબા કમ્પાઉન્ડ વીજ પુરવઠો ઠપ હોય તેવા
સંજોગોમાં જનરેટરથી વિતરણ વ્યવસ્થા ચાલુ રાખી શકાય છે એટલે આ સુવિધા વિક્સવવામાં આવી
છે. તંત્ર તેનું પરીક્ષણ કરીને એક વખત કાર્યરત કરે તે જરૂરી છે.