• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

બ્રિક્સનું યજમાન બનશે ગુજરાત

અમદાવાદ, તા. 29 (અમારા પ્રતિનિધિ તરફથી) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના આંગણે આવી રહ્યા છે, જે રાજ્ય માટે ગૌરવની ક્ષણ બની રહેશે. આ વખતે તેમનો પ્રવાસ માત્ર એક મુલાકાત પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે વૈશ્વિક રાજનીતિ અને આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત આ આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠકને પગલે રાજ્યના વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતની યજમાનીમાં યોજાઈ રહેલી બ્રિક્સ 2026ની બેઠક આ વખતે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં આ હાઈ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 11 અને 12 મેના રોજ યોજાનારી આ બેઠકમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિતના સભ્ય દેશોના પ્રતિનિધિઓ અને ઉચ્ચ સ્તરીય નેતાઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક દ્વારા ગુજરાતની ક્ષમતા અને ગ્લોબલ ઇવેન્ટ્સ મેનેજમેન્ટની શક્તિ વિશ્વ સમક્ષ પ્રદર્શિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મે ના  રોજ ગુજરાત આવશે અને બ્રિક્સ બેઠકમાં હાજરી આપશે. તેઓ આ વૈશ્વિક મંચ પરથી આર્થિક સહયોગ, સુરક્ષા અને ટેકનોલોજી જેવા મહત્વના વિષયો પર વિશ્વના નેતાઓ સાથે સંવાદ કરશે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને રાજ્ય કેબિનેટની બેઠકમાં પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. બેઠકના સફળ આયોજન માટે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓએ સુરક્ષા તેમજ પ્રોટોકોલ અંગેની સમીક્ષા કરી છે. જાણવા પ્રમાણે, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બ્રિક્સ સમિટના આયોજન અંગે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીનગરમાં આવનારા વિદેશી મહેમાનોના સ્વાગતથી લઈને તેમની સુરક્ષા વ્યવસ્થા સુધીની તમામ જવાબદારીઓ વિવિધ વિભાગોને સોંપવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ગુજરાતના પ્રવાસન અને સ્થાનિક વેપાર માટે પણ નવી તકોના દ્વાર ખોલશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.  ગાંધીનગરના રસ્તાઓ અને મહાત્મા મંદિર પરિસરને નવી નવેલી દુલ્હનની જેમ સજાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બ્રિક્સ દેશોના પ્રતિનિધિઓ માટે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગુજરાતી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હી બહાર આટલી મોટી વૈશ્વિક બેઠકનું આયોજન થવું એ ગુજરાતની વધતી જતી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનું પ્રતિક છે. 

Panchang

dd