• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

એક્ઝિટ પોલનો વર્તારો કહે છે... પ.બંગાળમાં કમળ ખીલશે; મમતારાજ પુરું

નવી દિલ્હી, તા.29: પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે આજે પશ્ચિમ બંગાળમાં મતદાનનો બીજો તબક્કો પૂર્ણ થવા સાથે જ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અને જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય તેવા એક્ઝિટ પોલનાં અનુમાનો આવવા માંડયા હતાં. જેમાં મોટાભાગનાં એક્ઝિટ પોલમાં ભાજપ માટે ચોતરફી ખુશખબરો આવી હતી. આસામ, પશ્ચિમ બંગાળ અને પુડ્ડુચેરીમાં ભાજપ સરકાર રચશે તેવી સંભાવનાઓ જોવા મળી હતી તો કેરળમાં પણ ભાજપ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી આગાહી કરવામાં આવી છે. એક્ઝિટ પોલનાં તારણોમાં સૌથી મોટો અપસેટ બંગાળમાં થતો જોવા મળી રહ્યો છે. જ્યાં આઠમાંથી છ એક્ઝિટ પોલ મુખ્યમંત્રી મમતા બેનરજીનાં માથેથી સત્તાનો તાજ છીનવાતો દેખાડી રહ્યાં છે. દોઢ દાયકા બાદ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનો પરાજય થવાનાં આકલનો આવી રહ્યા છે.  પશ્ચિમ બંગાળનાં એક્ઝિટ પોલનાં પરિણામો રસપ્રદ અને ચોંકાવનારા બની રહ્યાં છે. મોટાભાગનાં સર્વેમાં ભાજપ પૂર્ણ બહુમત સાથે રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવતી જોવા મળી રહી છે. જ્યારે મમતા બેનરજીનાં પક્ષનો કારમો પરાજય થાય તેવું આમાં જોવા મળી રહ્યું છે. તમામ એક્ઝિટ પોલની સરેરાશ એટલે કે પોલ ઓફ પોલ્સમાં ભાજપને 146 અને તૃણમૂલને 138 બેઠકો મળવાની ધારણા છે. જનમત પોલ્સ અને પીપલ્સ પોલ અન્ય તમામ એક્ઝિટ પોલથી વિપરિત તૃણમૂલને સ્પષ્ટ બહુમત આપે છે. જ્યારે મેટ્રિઝ, પોલ ડાયરી, ચાણક્ય, પ્રજા પોલ, પી મારક્યૂ અને જેવીસીનાં પોલમાં ભાજપ ધૂંઆધાર પ્રદર્શન કરશે તેવી આગાહી કરવામાં આવી છે.  કેરળની વાત કરવામાં આવે તો 2016માં ભાજપે પહેલીવાર ખાતુ ખોલાવ્યું હતું અને ત્યારે ત્યાં ફક્ત એક જ બેઠક મળી હતી. આ વખતે કેરળમાં ભાજપને 7 બેઠકો મળવાની ધારણા છે. કેરળમાં તમામ પોલની સરેરાશનાં આધારે યુડીએફની સરકાર રચાય તેવું અનુમાન છે અને તેને 77  જ્યારે એલડીએફને પ9 બેઠકો મળી શકે છે. જો કે ઘણાં એક્ઝિટ પોલમાં કેરળમાં કાંટે કી ટક્કર થવાનો અંદાજ પણ મળી રહ્યો છે.  તામિલનાડુમાં ડીએમકે અને તેનાં સાથી પક્ષો 130 બેઠકો સાથે ડીએમકે સત્તા જાળવી રાખશે અને તેની સામે એનડીએને 65 અને ટીવીકેને 31 બેઠકો મળવાની શક્યતા છે. તો આસામમાં પણ કોંગ્રેસનાં સૂપડા સાફ થઈ જાય તેવી ધારણા બાંધવામાં આવે છે. આસામમાં 88 બેઠકો સાથે સિંદૂરી સરકાર સતત ત્રીજી ટર્મ માટે સત્તામાં જળવાઈ રહેશે અને કોંગ્રેસ અને સાથી પક્ષો ફક્ત 27 બેઠકો સાથે ફરીથી વિપક્ષમાં રહી જાય તેવી ધારણા છે. પુડ્ડુચેરીમાં એનડીએ 17 બેઠકો સાથે સત્તામાં આવશે અને કોંગ્રેસ અને સાથી પક્ષો 8-9 બેઠકમાં સમેટાઈ જવાની સંભાવના જોવામાં આવે છે.   

Panchang

dd