કોલકાતા, તા. 29 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી
માટે બીજા ચરણમાં 91 ટકા જેટલું
બંપર મતદાન થતાં 142 બેઠક પર પોતાના
પ્રતિનિધિઓ પસંદ કરવાની કવાયતમાં મતદારોએ ધોમધખતા તાપ વચ્ચે જબરો ઉત્સાહ બતાવ્યો હતો.
આજે મતદાન દરમ્યાન રાજ્યમાં અનેક જગ્યાએ હિંસા, સંઘર્ષ, લાઠીચાર્જ, ઇવીએમ સાથે
ચેડાંની અનેક ઘટનાઓ સામે આવી હતી. આજે જે 142 બેઠક પર મતદાન થયું, તેમાંથી 126 બેઠક ઉપર
2021ની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે
જીત મેળવી હતી. પહેલાં ચરણમાં 152 બેઠક માટે
93 ટકા મતદાન થયું હતું. ચોથી
મેના બંગાળ વિધાનસભાની તમામ 254 બેઠકનાં પરિણામ
આવશે. બીજા ચરણમાં કુલ 142 વિધાનસભા
બેઠકો માટે 1448 ઉમેદવાર મેદાનમાં છે. બીજા દોરમાં 41 હજારથી વધુ મતદાન મથકો ઊભા
કરાયાં હતાં. બીજા ચરણમાં 8845 મતદાન કેન્દ્રો
એવા રહ્યાં, જેનું સંચાલન સંપૂર્ણપણે
મહિલાઓ દ્વારા કરાયું હતું. વર્ધમાન જિલ્લામાં સૌથી વધુ 92.46 ટકા મતદાન થયું હતું, તો કોલકાતા દક્ષિણ જિલ્લામાં સૌથી ઓછું 86.11 ટકા મતદાન નોંધાયું હતું. ખરા
બપોરે ધોમધખતા તાપ વચ્ચે પણ પોતાના પ્રતિનિધિને ચૂંટવા ઘરોની બહાર નીકળી પડેલા મતદારોની
લાંબા કતારો ઠેર ઠેર જોવા મળી હતી. બંગાળમાં કુલ 6.44 કરોડ મતદાર હતા. ચૂંટણીપંચે કેન્દ્રીય દળોની 2407 કંપની તૈનાત કરી હતી. બંગાળમાં
મુખ્ય મુકાબલો તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પણ પોતાનું
સ્થાન ઊભું કરવા જોશભેર પ્રયાસો કરી રહ્યા છે. ભવાનીપુર બેઠક આ વખતે ચૂંટણીમાં સૌથી
વધારે ચર્ચિત બની છે, જ્યાં તૃણમૂલ
સુપ્રીમો મમતા બેનર્જી અને ભાજપના ઉમેદવાર સુવેંધુ અધિકારી વચ્ચે મુખ્ય મુકાબલો છે.