ભચાઉ, તા. 29 : અવારનવાર સરકારી કાર્યક્રમોમાં
જતી એસ.ટી. બસના રૂટ રદ થવાથી મુસાફરો હેરાનગતિ વેઠતા હોય છે, ત્યારે આજે ઘણા સમય બાદ સલામત સવારી એસ.ટી.
હમારીનો છેદ ઉડાડતો બનાવ બન્યો હતો. આકરા તાપ વચ્ચે એસ.ટી. બસ બગડી જતાં
પ્રવાસીઓ આકરા તાપમાં ભારે પરેશાન થઈ ગયા હતા. પ્રખર તાપમાં ઊંઝા- નખત્રાણા
એસ.ટી. બસ ભચાઉ ખાતે બપોરે એક વાગ્યે બટિયા પુલ પર ખોટકાઈ હતી. ભચાઉ ખાતે
ઊંઝા-નખત્રાણા રૂટની આ એસ.ટી. બસ અસલામત બની હતી. કાળઝાળ ગરમીમાં પ્રવાસીઓ સલામતી સવારીને સલામત
સ્થળે ખસેડવા ધક્કા મારતા દેખાયા હતા. પ્રવાસીઓ
મોંઘાં ભાડાં ભરી સલામતી સવારી કરે છે, પરંતુ સલામતી નથી,
પરેશાની છે તેવો આક્રોશ પ્રવાસીઓએઁ વ્યકત કર્યો હતો. એસ.ટી. બસસેવા ખોરવાતાં
આમપ્રજા પરેશાન થાય છે. લાગતાવળગતા અધિકારીઓ
તમાશો જોઇ રહ્યા છે, સલામતી સવારી કેટલી સલામત છે તે જોવાનું
રહ્યું. હાલમાં બસભાડાં પણ ખૂબ વધી ગયાં છે. આવી જ સ્થિતિ ભચાઉથી સામખિયાળી જતાં ભચાઉથી
ઉપાડી બે-ચાર કિ.મી. આગળ હોટેલ પર ત્રીસ -ચાલીસ મિનિટ જમવા બસ રોકાઈ જાય છે અને સત્તર
કિ.મી.નો સમય પચાસ-સાઈઠ મિનિટે સામખિયાળી સુધી થાય છે. એસ.ટી. બસની સેવા અંગે પ્રજાને
પડતી હાલાકીથી લોકોને પડતી હાલાકી નિવારવા તંત્ર ઘટતી કાર્યવાહી કરે તેવી માંગ લોકોમાં પ્રબળ
બની છે.