• બુધવાર, 08 એપ્રિલ, 2026

રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા નહીં અર્થતંત્ર માટે આધારસ્તંભ

ગાંધીધામ, તા. 7 :  દેશના વેપાર અને ઔદ્યોગિક વિકાસનું મુખ્ય કેન્દ્ર બની રહેલા કચ્છમાં દેશના ખૂણે ખૂણે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું મજબૂત, ઝડપી અને સુરક્ષિત માળખું દેશની અર્થવ્યવસ્થા માટે અનિવાર્ય બની ગયું છે.  ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળ દ્વારા ગાંધીનગર ખાતે નેશનલ હાઈ-વે ઓથોરિટીના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં કચ્છના ધોરીમાર્ગની સ્થિતિ અંગે  વિસ્તૃતમાં ચર્ચા કરાઈ હતી. - કચ્છ દેશનું લોજિસ્ટિક હબ : નેશનલ હાઇ-વે ઓથોરિટી  પ્રાદેશિક અધિકારી પ્રદીપ અત્રી તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર અજય સ્વામી સાથે રૂબરૂ બેઠક દરમ્યાન ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, કચ્છ  આજે દેશનું લોજિસ્ટિક્સ હબ બની રહ્યું છેઉત્તર અને પશ્ચિમ ભારતના મોટા ભાગના કાર્ગોનું સંચાલન થાય છે. આવી પરિસ્થિતિમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ માત્ર સુવિધા નહીં, પરંતુ રાષ્ટ્રીય અર્થતંત્ર માટે આધારસ્તંભ સમાન  છે. - માર્ગોની વિસ્તૃતીકરણની કામગીરી ધીમી : ચેમ્બરના કારોબારી સભ્ય અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના અગ્રણી હરીશ માહેશ્વરીએ જણાવ્યું હતું કે, બામણમોરથી સામખિયાળી અને આગળના વિરતારોમાં ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધ્યું છે. આ માર્ગની વિસ્તૃતીકરણની કામગીરી અને સાંતલપુર સામખિયાળી છ માર્ગીય રોડની કામગીરી ધીમીગતિએ ચાલતી હોવાનું જણાવ્યું હતું. ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીએ કંડલા-મુંદરા માર્ગને છ માર્ગીય  બનાવવાની કામગીરી ઝડપથી કરવા માંગ કરી હતી. આ માર્ગની ખખડધજ હાલતનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો. - કોસ્ટલ હાઈ-વે ગેમચેન્જર બનશે : તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંડલાથી માળિયા સુધી પ્રસ્તાવિત કોસ્ટલ હાઇ-વે કચ્છના વિકાસ માટે ગેમચેન્જર સાબિત થશે. આ હાઇ-વે ટ્રાફિક, દબાણ ઘટાડશે, અંતર ઘટાડશે અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધશે.  માર્ગ સલામતી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને દરેક 10 કિમી ઉપર ક્રેન સુવિધા ઉપલબ્ધ કરાવવા, ડાયવર્ઝન વ્યવસ્થિત બનાવવા અને આગામી ચોમાસાં પહેલાં તમામ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. - અધિકારીઓની બાંહેધરી : નેશનલ હાઈ-વેના અધિકારીઓએ રજૂ થયેલા પ્રશ્નો ઉપર પ્રાથમિકતા સાથે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે અને સંબંધિત પ્રોજેક્ટ્સને ગતિ આપવા માટે જરૂરી અનુસંધાન હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. બેઠકમાં  રજૂ કરાયેલા મુદ્દાઓ પર તાત્કાલિક પગલાં લેવાશે, જેનાથી કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાં ગુણવત્તાત્મક સુધારો થશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધશે અને દેશના સર્વાંગી આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન મળશે. - સામખિયાળી-સૂરજબારી ટોલમાં લેન વધારો : ગાધીધામ, તા. 7 :    સામખિયાળી-સૂરજબારી ટોલપ્લાઝા અંગે ચેમ્બરે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. હાલની મેનેજમેન્ટ ક્ષમતા ટ્રાફિકના પ્રમાણની સરખામણીમાં અપૂરતી હોવાને કારણે પીકઅવર્સ દરમિયાન ચાર-5ાંચ કિમી લાંબી વાહનોની કતારો સર્જાય છે. ટોલ સ્કાનિંગ સિસ્ટમ ધીમી હોવાને કારણે મેન્યુઅલ પ્રક્રિયાનો સહારો લેવો પડે છે, જેના કારણે વિલંબ વધે છે. આ સ્થિતિ સીધી રીતે ટ્રાન્સપોર્ટ સમય, ઇંધણ ખર્ચ અને સપ્લાય ચેઇન કાર્યક્ષમતાને અસર કરે છે. આ માટે ટોલ લેન વધારવા, આધુનિક અને ઝડપી સ્કાનિંગ સિસ્ટમ સ્થાપિત કરવા તેમજ સુવ્યવસ્થિત ટ્રાફિક મેનેજમેન્ટ અમલમાં મૂકવાની પણ રજૂઆત કરાઈ હતી. - અમૃતસર-જામનગર હાઈ-વેની ઉપયોગિતા ઘટી : ગાધીધામ, તા. 7 :   અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વેનો છેલ્લો પેકેજ કાર્યરત ન હોવાને કારણે સમગ્ર માર્ગની ઉપયોગિતા ઘટી ગઈ છે. લગભગ નવ મહિના બાદ પણ તેની પુન:સ્થાપન કામગીરી પૂર્ણ ન થવી ચિંતાજનક બાબત છે અને તેના માટે સ્પષ્ટ સમયરેખા જાહેર થવી જરૂરી છે.  આ માર્ગ પશ્ચિમ અને ઉત્તર ભારતને કચ્છનાં બંદરો સાથે સીધો જોડે છે, જેથી તેની કાર્યક્ષમતા દેશના વેપાર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 

Panchang

dd