કોટડા (ચ.), તા. 7 : ભુજ તાલુકાના
કોટડા, ચકાર, થરાવડા,
રેહા, પદ્ધર, કાળી તલાવડી
સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી પદ્ધતિમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. છેલ્લાં
કેટલાક વર્ષોથી ઘઉંના પાકમાં વધતા ખર્ચ અને યોગ્ય ભાવ નહીં મળતાં ખેડૂતો હવે રોકડિયા
પાકો તરફ વળી રહ્યા છે. ખાસ કરીને દાડમની ખેતી તરફ ખેડૂતોનું વલણ વધ્યું હોવાનું સામે
આવ્યું છે. પધ્ધરના ખેડૂત રમેશભાઈ ખુગલાએ જણાવ્યું હતું કે હાલ ઘઉંના પાકમાં ખર્ચ સતત
વધી રહ્યો છે, જ્યારે બજારમાં યોગ્ય ભાવ મળતા નથી. અંદાજે 100 કિલો ઘઉંના રૂ.2700થી 3000 સુધી ભાવ વેપારીઓ આપી રહ્યા
છે, જ્યારે છૂટક બજારમાં સારી ગુણવત્તાના ઘઉંના
રૂ. 3200થી 3400 સુધી ભાવ મળે છે. છતાં બજારમાં
વેચાણ ઓછું હોવાથી ખેડૂતોને પાક વેચવામાં મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત કમોસમી વરસાદથી
અમુક વિસ્તારોમાં ઘઉંના પાકને નુકસાન થયું છે. કોટડા (આથમણા) સરપંચ મનસુખભાઈ માકાણીએ
જણાવ્યું હતું કે, ઘઉંનું ઉત્પાદન
સારું મળવા છતાં બજારમાં માંગ ઓછી હોવાથી ખેડૂતોને નફો મળતો નથી. મજૂરી, ખાતર, કીટનાશક દવાઓ અને વીજળીના ખર્ચમાં સતત વધારો થતા
ખેતી ખર્ચ વધી રહ્યો છે. રેહાના સરપંચ તથા ખેડૂત ગેલુભા જાડેજાએ જણાવ્યું હતું કે,
આ વર્ષે કમોસમી વરસાદ અને વાતાવરણમાં ફેરફારની અસર ઘઉંના પાક પર જોવા
મળી છે. કેટલાક વિસ્તારોમાં ગુણવત્તા પર અસર થઈ છે. ઉપરાંત છૂટક બજારમાં વેચાણ ઓછું
થતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ એક એકર
ઘઉંના પાકમાં અંદાજે રૂા.15,000થી 20,000 સુધી ખર્ચ થાય છે. ઉત્પાદન
30થી 35 મણ સુધી મળે છે, જ્યારે અનુકૂળ પરિસ્થિતિમાં 40થી 50 મણ સુધી ઉતારો
મળે છે. તેમ છતાં હાલના ભાવ મુજબ ખેડૂતોને પૂરતો નફો મળતો નથી. બીજી તરફ રાયડાનો પાક
તાજેતરમાં વેચાઈ ગયો હોવા છતાં હાલ વેપારીઓ દ્વારા રાયડાની માંગમાં વધારો નોંધાયો છે.
જાણકારોના જણાવ્યા મુજબ હાલ ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની અસરથી તેલીબિયાં
પાકોની માંગ વધી છે. અગાઉ રાયડાના 100 કિલોના રૂા. 2400 જેટલા ભાવ મળ્યા હતા, જ્યારે હાલમાં વેપારીઓ રૂા. 2600થી 2700 સુધી ભાવ
આપવા તૈયાર હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.