ગાંધીધામ, તા. 7 : શહેરની વચલી બજારમાં વેપારીઓ
દુકાનની બહાર માલસામાન રાખતા હોવાથી ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે. અનેક વખત
મહાનગરપાલિકાએ કહ્યું છે, પરંતુ તેની
કોઈ અસર ન દેખાતાં મંગળવારે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા બજારમાં માલસામાન બહાર રાખશો,
તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. સરદાર
વલ્લભભાઈ પટેલ સર્કલથી લઈને મહાત્મા ગાંધી માર્કેટ સુધીમાં ટ્રાફિક સહિતની સમસ્યા હલ
કરવા માટે વ્યાપક દબાણો હટાવવામાં આવ્યાં છે, પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે લાખો રૂપિયાના ખર્ચે બે પાર્કિંગ
પ્લોટ બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન અનેક બિલ્ડિંગો પણ તોડીને વ્યવસ્થા ઊભી કરાય છે,
પરંતુ જે હેતુ માટે કાર્યવાહી થઈ છે તે હેતુ હાલના સમય સાર્થક થતો નથી.
મુખ્ય બજારમાં કરોડો રૂપિયાના ખર્ચે આરસીસી માર્ગ બને છે અને એક સારો રોડ મળશે એક વ્યવસ્થા
મળશે, પરંતુ જે ટ્રાફિક સહિતની સમસ્યા હલ કરવાની વાત હતી અને
લોકોને પગપાળા ચાલવા માટે આર્કેડ ઉપયોગી બનશે તેવું કહેવાતું હતું તે હાલના સમયે દેખાતું
નથી, સમસ્યા ઠેરની ઠેર છે, ખાસ કરીને મુખ્ય
બજારની વચલી બજારમાં તો દિવસ દરમિયાન પગપાળા ચાલવામાં પણ સમસ્યા ઊભી થાય છે. અહીંથી
અનેક વખત વેપારીઓને માલસામાન દુકાનની અંદર જ રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી,
પણ હજુ સુધી તેનું કોઈ પાલન થયું નથી. પરિણામે મંગળવારે મહાનગરપાલિકાના
અધિકારીઓ અને કર્મચારીઓ વચલી બજારમાં પહોંચ્યા હતા અને જે દુકાનદારોના સામાન બહાર હતા
તેમજ દુકાનની બહાર સામાન રાખીને બેઠા હતા તેમને સામાન દુકાનની અંદર જ રાખવા માટે કહેવામાં
આવ્યું છે. દુકાનદારોને છેલ્લી ચેતવણી આપવામાં આવી છે, હવે પછીથી
જો માલસામાન દુકાનની બહાર રાખવામાં આવશે, તો તેમની સામે દંડાત્મક
કાર્યવાહી કરવામાં આવશે અને માલસામાન પણ જપ્ત કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી
છે.