ગાંધીધામ, તા. 7 : ભચાઉના યુવાન સાથે ગુરુગ્રામના
શખ્સે ઓનલાઈન ક્રેડિટકાર્ડમાંથી ઓનલાઈન મોબાઈલની ખરીદી કરીને છેતરપિંડી કરી હોવાનો
બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 30 માર્ચના અરસામાં બન્યો હતો. ગુરુગ્રામમાં રહેતા આરોપી ગૌતમ કુમારે
ફરિયાદીનો મોબાઈલ હેક કરીને આ બનાવને અંજામ આપ્યો હતો. ઈલેક્ટ્રોથર્મ કંપનીમાં કામ
કરતા ફરિયાદી દિલીપસિંહ ભરતસિંહ દાહીમાના ક્રેડિટકાર્ડમાં 2.19 લાખની ખરીદી થઈ હોવાનો મેસેજ
આવ્યો હતો. તમામ જુદા-જુદા ટ્રાન્ઝેક્શન ઈ-કોમર્સ કંપનીમાંથી થયાં હોવાનું માલૂમ પડયું
હતું. ફોનમાં ફ્લીપકાર્ટ ડાઉનલોડ કરતાં તેમાંથી આરોપીએ ત્રણ મોબાઈલની ખરીદી કરી હોવાનું
જણાયું હતું. ફ્લીપકાર્ટમાં મોબાઈલ પરત આપવાની રિક્વેસ્ટ નાખવામાં આવી હતી, પરંતુ કંપની દ્વારા મોબાઈલ ડિલિવર થઈ ગયા હોવાનું
જણાવાયું હતું. પૈસા પરત આવી જશે, તેવી ધારણા રાખી ફરિયાદમાં
વિલંબ કરાયો હોવાનું જણાવાયું છે.