કોલકાતા, તા. 17 : ભારતીય
કપ્તાન શુભમન ગિલને રવિવારે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ગરદનની ઇજાને
લીધે તે હોસ્પિટલમાં દાખલ થયો હતો. દ. આફ્રિકા સામેના પહેલા ટેસ્ટના બીજા દિવસે
બેટિંગમાં આવ્યા પછી તેને આ ડોક જકડાઇ જવાની સમસ્યાને લીધે મેદાન છોડવું પડયું
હતું. બાદમાં ઇજાગ્રસ્ત ગિલ બન્ને દાવમાં બેટિંગ કરી શક્યો ન હતો. ઇડન ગાર્ડનની
ટર્નિંગ વિકેટ પર ભારતનો 30 રને આંચકારૂપ પરાજય થયો હતો.
ગિલનું બીજા ટેસ્ટમાં રમવું પણ શંકાસ્પદ માનવામાં આવે છે. જે 22 નવેમ્બરથી
શરૂ થવાનો છે. ભારતીય ટીમના ખેલાડીઓ હાલ કોલકતામાં જ છે અને મંગળવારે અહીં જ
અભ્યાસ સત્ર રાખ્યો છે. આ પછી ટીમ બીજી મેચ માટે ગુવાહાટી રવાના થશે. મંગળવારના
અભ્યાસ સત્રમાં કપ્તાન શુભમન ગિલ ભાગ લેશે નહીં અને ટીમ સાથે ગુવાહાટીની ઉડાન ભરશે
કે નહીં તે નિશ્ચિત નથી. ભારતીય ટીમ બુધવારે ગુવાહાટી પહોંચવાની છે. હેડ કોચ
ગંભીરે જણાવ્યું છે કે ગિલ પર મેડિકલ ટીમ સતત નજર રાખી રહી છે. બીજી ટેસ્ટમાં તેના
હિસ્સા બનવા પર એક-બે દિવસમાં નિર્ણય લેશે. જો ગિલ બીજી ટેસ્ટ ગુમાવશે. તો ઋષભ પંત
ભારતીય ટીમનું સુકાન સંભાળશે.