• રવિવાર, 29 જૂન, 2025

નારીશક્તિને ખેલ કૌશલ્ય દર્શાવવાની તક મળી

ભુજ, તા. 28 : કચ્છની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બીજા દિવસે ભુજ કચ્છી લેવા પટેલ સમાજના સરદાર પટેલ વિદ્યા સંકુલમાં આયોજિત રાષ્ટ્રીયકક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપનો મશાલ પ્રજ્વલન સાથે ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખીલેલું ઉચ્ચ સ્તરનું સ્પોર્ટ્સ કલ્ચર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિઝનનું પરિણામ છે. શિક્ષણની સાથે વડાપ્રધાને રમતગમતને આપેલાં પ્રાધાન્ય થકી આજે દેશભરમાં ખેલો ઇન્ડિયાથી સ્પોર્ટ્સ પ્રતિભાઓ ઝળકી રહી છે ત્યારે આ 54મી સિનિયર નેશનલ વિમેન હેન્ડબોલ ચેમ્પિયનશિપ-2025નું આયોજન એનું જ ઉત્તમ ઉદાહરણ છે.  54મી સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધામાં સહભાગી થતા મુખ્યમંત્રીએ કચ્છી નૂતન વર્ષની શુભકામના પાઠવવા સાથે કચ્છી નવાં વર્ષના પર્વે કચ્છમાં 109 કરોડથી વધુના વિકાસકામોની ભેટ, 108 બાળકને શાળામાં પ્રવેશ કરાવવાના અવસર સાથે હેન્ડબોલ ચેમ્પિયનશિપ શરૂ કરાવવાની સાંપડેલી તક બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છ પર આયોજિત વર્તમાન રાષ્ટ્રીય મહિલા ટૂર્નામેન્ટ દેશના જુદાં જુદાં રાજ્યોની નારીશક્તિને પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવવાનું પ્લેટફોર્મ બની રહેશે. આ ચેમ્પિયનશિપ થકી `એક ભારત શ્રેષ્ઠ ભારત` સાકાર થશે. 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમની 540 મહિલા ખેલાડીને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 11 વર્ષમાં દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં આવેલા બદલાવ થકી આ સમય યુવાનો અને રમતવીરો માટેનો સુવર્ણ સમય રહ્યો છે. બે દશકમાં ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચરનો ચિતાર આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 2002માં રાજ્યમાં ફક્ત ત્રણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતાં, ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ વિદ્યાસંકુલ ખાતેના લાલજી રૂડા પિંડોળિયા રમત-ગમત સંકુલ ખાતે તા. 3 જુલાઇ સુધીનાં આયોજનમાં હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા, હેન્ડબોલ ફેડરેશન ગુજરાત, હેન્ડબોલ ફેડરેશન ઓફ કચ્છ સહયોગી છે. આ ચેમ્પિયનશિપમાં ભારતના 540 મહિલા ખેલાડી, 18 કોચ-મેનેજર ભાગ લઇ રહ્યા છે. સ્પર્ધામાં અર્ધલશ્કરી દળો જેવા કે, એસએસબી, બીએસએફ, સીઆરપીએફ, પંજાબ પોલીસના ચુનંદા મહિલા ખેલાડીઓ સંબધિત રાજ્યોની ટીમોમાં ભાગ લઇને પોતાનું કૌવત દર્શાવશે.  કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી, સર્વે ધારાસભ્યો કેશુભાઇ, ત્રિકમભાઇ છાંગા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, આગેવાન કચ્છી લેવા પટેલ સમાજના અધ્યક્ષ વેલજીભાઈ પિંડોરિયા, એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, ફેડરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી જનરલ  ડો. પ્રીતિપાલ સિંઘ સલુજા અને માનદ ટ્રેઝરર ગુરુશરણ સિંઘ, હેન્ડબોલ ફેડરેશન ગુજરાતના પ્રમુખ રવીન્દ્રાસિંહ રાજપૂત, કચ્છ હેન્ડબોલ ફેડરેશના પ્રમુખ મનિષ પટેલ સહિત ટૂર્નામેન્ટના દાતાઓ તથા મોટી સંખ્યામાં મહિલા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

Panchang

dd