• રવિવાર, 29 જૂન, 2025

ભુજમાં લુખ્ખાગીરી અને નશાખોરી બેફામ બન્યાનો જીવંત દાખલો

ભુજ, તા. 28 : કચ્છના પાટનગર સહિત સમગ્ર કચ્છમાં યુવાનોમાં નશાખોરીની બદી ફૂલીફાલી છે. છાસવારે માદક પદાર્થ અને દારૂના જથ્થા ઝડપાયાના કિસ્સા સામે આવી જ રહ્યા છે. નશામાં ગળાડૂબ યુવાનો પોતાની તલબ સંતોષવા ચોરી, લૂંટફાટ અને હુમલા જેવા ગુનાહિત કૃત્ય તરફ વળી રહ્યાનો જીવંત દાખલો બે દિવસ પૂર્વે જ ભુજના બસ સસ્ટેશન પાસે બન્યો હતો. ગત તા. 26-6ના ભુજના બસ સ્ટેશન પાસે બનેલા આ બનાવ અંગે મૂળ નેપાળના કમલ મહેરસિંઘ ભુલએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે ગાંધીધામથી ભુજ ટ્રેનથી આવી પગે-પગે બસ સ્ટેશન જઇ રહ્યો હતો, ત્યારે ભીડનાકા પાસે પાણીપૂરી ખાધી અને 200 રૂપિયાના છૂટા કરાવ્યા, ત્યારે એક અજાણી વ્યક્તિ તેને જોઇ ગઇ હતી અને પીછો કરી ભુજના બસ સ્ટેશન સુધી પહોંચી આવી આ અજાણ્યા શખ્સે ફરિયાદી પાસે રૂા. 100ની માગણી કરી, ગાળા-ગાળી કરવા લાગ્યો હતો. ફરિયાદીએ ના પાડતાં તે એકદમ ઉશ્કેરાઇ તેની ભેઠમાં રહેલી છરી કાઢી હુમલો કર્યો હતો. માથાંમાં આઠથી નવ ટાંકા તથા ખભામાં ગંભીર પ્રકારની ઇજા પહોંચાડી હતી. એ-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ  ધરી છે. અત્રે નોંધનીય છે કે, યુવાનોમાં નશાખોરી મોટા પ્રમાણમાં વકરી છે અને પોતાના નશાની તલબ સંતોષવા પરિજનો, ઓળખિતા, મિત્રો તથા આવા અજાણ્યા શખ્સો પાસેથી પૈસા માગે અને માંગ પૂરી ન થતાં આવા હુમલા, લૂંટ જેવા બનાવોને અંજામ આપી રહ્યા છે. આમ કાયદો-વ્યવસ્થા સંભાળતી પોલીસ આ નશાખોરીની બદી પર અંકુશ મેળવવા જરૂરી પગલાં ભરે તે ઇચ્છનીય હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. 

Panchang

dd