ભુજ, તા. 28 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
ખાવડા પાસે આકાર લઈ રહેલા વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યૂએબલ એનર્જી (આર.ઈ.) પાર્કની
મુલાકાત લઈ વિવિધ કંપનીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ તકે મુખ્યમંત્રીએ
અદાણી સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતેથી સોલાર અને પવન ઊર્જાના ગ્રીન ગ્રોથની ઝલક ઝીલી અધિકારીઓ
સાથે પ્રગતિ હેઠળનાં કામની સમીક્ષા કરી હતી અને ગ્રીન ઊર્જાનાં વિઝન અંગે માર્ગદર્શન
આપ્યું હતું. ગ્રીન ગ્રોથ થકી વિકસિત ગુજરાતનો
માર્ગ મોકળો બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિસેમ્બર વર્ષ 2020માં ખાવડા પાસે આર.ઈ. પાર્કનું
ભૂમિપૂજન કર્યું હતું. આ તકે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના ચીફ પ્રોજેક્ટ ઓફિસર
રાજેન્દ્ર મિત્રીએ પાર્કમાં અત્યારસુધીમાં થયેલાં કામ તથા પ્રગતિ હેઠળનાં કામનું પ્રેઝન્ટેશન
કર્યું હતું. શ્રી મિત્રીએ કામગીરીનું વિવરણ
કરી મુખ્યમંત્રીને વિગતો આપતાં જણાવ્યું હતું કે,
હાલ આ પાર્કમાંથી પાંચ ગિગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે, જેનાથી વિવિધ સબસ્ટેશનો દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રનાં અંદાજે 25 લાખ ઘર સુધી વીજળી પહોંચી રહી
છે. આગામી ડિસેમ્બર 2025 સુધીમાં 12 હજારથી વધુ મેગાવોટ વીજ ઉત્પાદનનો
લક્ષ્યાંક હાથ ધરાયો છે. સોલાર અને વિન્ડ દ્વારા વીજ ઉત્પાદનમાં ગુજરાતે સમગ્ર દેશનું
ધ્યાન ખેંચ્યું છે. ખાવડા નજીકના આર.ઈ. પાર્કમાં વિવિધ કંપનીઓ દ્વારા 37 ગિગાવોટ વીજ ઉત્પાદનના લક્ષ્યાંક
સાથે અંદાજે 18થી 20 હજાર લોકોને રોજગારી આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ આર.ઈ.
પાર્કથી હજારો લોકોને રોજગારી મળી રહી છે તે બાબતને પ્રસંશનીય ગણાવી હતી. નેશનલ થર્મલ
પાવર કોર્પોરેશન લિમિટેડના અજય સેહગલ, અદાણી ગ્રુપના પ્રોજેક્ટ હેડ તીર્થનાથ સિંઘ, સર્જન રિયાલિટી
પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિ અનિલ મુસર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.