નવી દિલ્હી, તા. 30 : ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ
ટેસ્ટ મેચની શ્રેણીનો પહેલો મુકાબલો ક્રાઈસ્ટચર્ચમાં રમાય રહ્યો છે. મેચના ત્રીજા દિવસનો
અંત થતા થતા યજમાન ટીમ ઉપર હારનું જોખમ તોળાઈ રહ્યું છે. હકીકતમાં ન્યુઝીલેન્ડે બીજી
ઈનિંગમાં 155ના સ્કોરે જ છ વિકેટ ગુમાવી દીધી છે અને તેના હાથમાં માત્ર ચાર જ રનની
સરસાઇ છે. આ પહેલા કીવી ટીમ 348 રનમાં ઢેર થઈ હતી. જેના જવાબમાં બેન સ્ટોક્સની ટીમે
499 રન કરીને 151 રનની સરસાઇ મેળવી લીધી હતી. ઈંગ્લેન્ડની નજર હવે ચોથા દિવસે બને તેટલી
ઝડપથી મેચ પોતાના નામે કરવા ઉપર હેશે. જો કે આ જીતથી ઈંગ્લેન્ડને ડબલ્યુટીસી પોઈન્ટ
ટેબલમાં કોઈ ફાયદો મળશે નહીં. હકીકતમાં ડબલ્યુટીસી પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડના ખાતામાં
વર્તમાન સમયે 40.79 ટકા અંક છે અને ટીમ છઠ્ઠા સ્થાને છે. જો ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ
સામે ટેસ્ટ મેચ જીતે તો પણ તેના ખાતામાં 43.75 અંક જ રહેશે અને ટીમ છઠ્ઠા સ્થાને રહેશે
કારણ કે પાંચમા સ્થાને રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમના ખાતામાં 54.17 ટકા અંક છે. ત્રીજા
દિવસની રમત ઈંગ્લેન્ડે 319ના સ્કોરે શરૂ કરી હતી અને હેરી બ્રુકની બેવડી સદી અને બેન
સ્ટોક્સની સદી થવા જઈ રહી હતી. જો કે બન્ને ખેલાડી કીર્તિમાનથી ચૂકી ગયા હતા. બ્રુક
171 અને સ્ટોક્સ 80ના સ્કોરે આઉટ થયો હતો અને ઈંગ્લેન્ડની ટીમ 499ના સ્કોરે સમેટાઈ
હતી. 151 રનથી પાછળ રહેલી ન્યુઝીલેન્ડની બીજી ઈનિંગની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. કેન
વિલિયમસને અર્ધસદી કરતા 61 રનની ઈનિંગ રમી હતી પણ તેના સિવાય કોઈપણ બેટધર કમાલ કરી
શક્યો નહોતો.